ચૈત્રમાસ એટ્લે ઉત્સવોની હારમાળા…
ચિત્રા નક્ષત્ર ઉપરથી આવતાં ચૈત્ર માસનો મહિમા અનેરો અને અનુપમ છે. કહેવાય છે કે આ માસમાં ચિત્રા નક્ષત્ર સંધ્યાકાળે ઊગે છે અને બ્રાહ્મમુહૂર્તમાં અસ્ત થાય છે. મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામ, રામભક્ત હનુમાનજી તેમજ ભગવાન સ્વામીનારાયણનો જન્મ આ માસમાં થયો છે, તો પરમ પિતા બ્રહ્માજીનું પણ પ્રાગટ્ય પણ આજ માસમાં થયું છે. વૈષ્ણવોનો ગણગોર ઉત્સવ પણ આજ મહિનામાં આવે છે, દેવી ભક્તોની ચૈત્રી નવરાત્રિ પણ આજ માસમાં આવે છે, માતા પાર્વતીની પુત્રી ઓખાને આજ માસમાં યાદ કરાય છે, મહારાષ્ટ્રીયન અને સિંધી લોકોનાં નવા વર્ષનો પ્રારંભ પણ આજ માસથી થાય છે. આમ ચૈત્ર માસ અનેક તહેવાર અને ઉત્સવોની હારમાલિકા લઈને આવે છે.
ગૂડીપડવો-ચૈત્રસુદ પ્રતિપદાને મહારાષ્ટ્રમાં ગૂડીપડવા તરીકે ઓળખવામાં આવે છે. ગૂડીપડવા અંગે વિવિધ કથાઓ રહેલી છે. એક કથા અનુસાર એક રાજા ઉપર પાડોશી રાજાએ આ રાજા પર હુમલો કર્યો ત્યારે તે રાજા નિર્બળ બનીને ભાગવા લાગ્યો. પોતાના રાજાને આ રીતે ભાગતો જોઈ તેનાં સૈનિકોનું બળ ભાંગી ગયું. રાજાનાં સૈનિકોને પરાસ્ત થતાં જોઈ તે એક કુંભારનાં પુત્ર શાલિવાહનને શૂરાતન ચડી ગયું તેણે સૈનિકોને કહ્યું ડરો નહીં મારી પાસે એક ઋષિની મંત્રવિદ્યા છે આ મંત્રવિદ્યાથી હું નિર્જીવ પૂતળામાં જીવ પૂરી શકું છુ ત્યારે સૈનિકોએ શાલિવાહનની મદદ માંગી. સૈનિકોની વિનંતીથી શાલિવાહને માટીનું સૈન્ય તૈયાર કરી તેમને સજીવન કર્યા. આ સૈન્યની મદદથી શાલીવાહનનાં ગામના સૈન્યએ શત્રુઓને પરાજિત કર્યા. શાસ્ત્રો કહે છે કે શાલિવાહને માટીનાં સૈન્યમાં મંત્ર શક્તિ દ્વારા પ્રાણ પૂર્યો તે માત્ર સૂચક છે આ કથાનો સાર એ કાઢી શકાય કે શાલિવાહને સિપાહીઓનો ખોવાયેલ આત્મવિશ્વાસ અને આત્મશક્તિને ફરી જગાવ્યો જેથી કરીને ચેતનહીન, પરાક્રમહીન બની ગયેલા લોકોમાં શત્રુઑ સામે લડવા માટે બળ આવ્યું. શાસ્ત્રો અનુસાર શાલિવાહન શકનો પ્રારંભ આ જ દિવસથી થાય છે. બીજી કથા અનુસાર આજનાં દિવસે ભગવાન શ્રી રામે દક્ષિણ પ્રદેશને વાનરરાજ વાલીનાં ત્રાસમાંથી મુક્ત કરાવ્યાં. વાલીના ત્રાસમાંથી મુક્ત થયેલ પ્રજાએ ઘર ઘરમાં ઉત્સવ ઉજવ્યો અને ઘરનાં આંગણામાં ગૂડીઑ ઊભી કરી. ગૂડી એટ્લે કે ધ્વજા અને પડવો એટ્લે કે દિવસ. આ દિવસે લોકોએ ઘરે ઘરે ધ્વજ ચડાવ્યો હોવાથી આ દિવસ ગૂડી પડવા તરીકે ઓળખાયો. ગૂડી પડવાનાં દિવસે ગૂડીઑ બનાવવાની રીત પણ નિરાળી હોય છે. તાંબાનાં કળશમાં મગ, અક્ષત, સાકર અને મીઠાનો ટુકડો, હળદર ગાંઠિયો, કુમકુમ, કડવો લીમડો વગેરે મૂકવામાં આવે છે ત્યારબાદ કળશમાં વેલણ અથવા લાકડીનો લાંબો ટુકડો મૂકી લાલ કપડાં વડે કળશનું મો બાંધી દેવાય છે અને તે ગૂડીને તુલસીનાં ક્યારામાં મૂકી દેવાય છે. ઘરનાં મુખ્ય દ્વાર પાસે ચોખાનાં લોટની રંગોળી કરવામાં આવે છે અને દ્વાર પર પુષ્પ અને આંબાનાં પાનનું તોરણ બાંધવામાં આવે છે. ગુજરાતી વર્ષમાં ષષ્ઠીય માસ અને મરાઠી તેમજ તેલુગુ વર્ષમાં પ્રથમ સ્થાન ધરાવતાં આ માસમાં અનેક તહેવારો આવે છે જેમાં મરાઠીમાં ગૂડી પડવો અને તેલુગુમાં ઉગાદી તરીકે ઓળખાતો આ દિવસ નવજીવનનો સંદેશો લઈને આવે છે ત્યારે પોતાની સાથે કડવા લીમડાનો રસ અને સાકરનો પ્રસાદ લઈને આવે છે. કડવો અને મીઠો આ બંને સ્વાદ સ્વાસ્થ્ય અને જીવન સાથે સંકળાયેલા છે. કડવા રસનું તાત્પર્ય એ છે કે જીવનમાં થોડી કડવાશની પળો હોય તો મનુષ્ય તે કડવાશને સાથે રાખીને તેમાંથી કશું નવું શીખવાનો પ્રયત્ન કરે છે અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ લીમડાનો રસ તનને વધુ પુષ્ટ બનાવવા માટે પેટમાં રહેલ જીવાતોનો નાશ કરે છે અને સાકર એ જીવનમાં મધુરતા ઉમેરે છે અને જેમ જીવનમાં મધુરતા આવે તેમ જીવનને વધુ ને વધુ પોઝિટિવ દૃષ્ટિએ જોવાની આદત પડતી જાય છે, જેથી મનુષ્ય સફળતાના માર્ગે આગળ વધતો જાય છે.
ચેટીચાંદ-ચૈત્રસુદ બીજ તે સિંધી સમુદાયનું નૂતન વર્ષ છે. આ દિવસે સિંધી સમુદાય નદી, તળાવ કે સમુદ્ર પાસે જઇને પોતાનાં આરાધ્ય ઝુલેલાલ-વરુણદેવની પૂજા, સ્તુતિ-ભજન-કીર્તન અને અનુષ્ઠાન કરી આરાધના કરે છે.
ગણગોર ઉત્સવ-શ્રી યમુનાજી પણ વૈષ્ણવ ભક્તોની શક્તિ સ્વરૂપા છે. આથી પુષ્ટિમાર્ગમાં ચૈત્ર સુદી ત્રીજથી ચૈત્ર સુદી ૬ઠ્ઠ સુધી “ગણગૌરી-કાત્યાયની” ઉત્સવ ઉજવવામાં આવે છે. ચૈત્ર સુદ છઠ્ઠનો આ દિવસ એ પુષ્ટિમાર્ગીયમાં યમુના છઠ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. યમુના છઠ્ઠ પછી એકાદશીનાં દિવસે વ્રજભકતોએ શ્રી યમુનાજીની રેણું અર્થાત રજથી શ્યામા સ્વરૂપ શ્રી કાત્યાયની દેવીની (યમુનાજી) પ્રતિમાની ઉત્પત્તિ કરી અને એ પ્રતિમાનું પૂજન કર્યા બાદ વ્રતની પૂર્ણાહુતિ કરી હતી, આ દિવસ “ઉત્પત્તિ એકાદશી”નાં નામેથી પણ ઓળખાય છે. યમુનાગૌરીની કૃપાથી કુમારિકા ગોપીજનો ને શ્રી ઠાકુરજી અલૌકિક પતિ સ્વરૂપે મળ્યા હતાં. આ વ્રતના દિવસોમાં યમુનાજીનાં ભક્તો યમુનાજીની લોટીનું સ્થાપન કરી તેનું પૂજન કરે છે. આ દિવસે આંબાનાં મોર અને અંબિયા, કડવો લીમડો, એલચી, મિસરીનું બૂરું વગેરે વ્રજભકતોનાં ભાવથી યમુના મહારાણીને ધરવામાં આવે છે.
દુર્ગાષ્ટમી- દેવી ભાગવતમાં કહ્યું છે કે દુર્ગ અસૂર લોકો માટે દુર્ગમ સંકટ બનીને આવતો હતો. આથી ચૈત્ર મહિનાની અષ્ટમીનાં દિવસે માતા ગૌરીએ પણ સિંહ ધારિણી સ્વરૂપ ધારણ કરીને દુર્ગમ સંકટ રૂપી અસૂરનો નાશ કર્યોં અને દુર્ગા નામ ધારણ કર્યું. અશ્વિની નવરાત્રની જેમ આ માસ ચૈત્રી નવરાત્ર તરીકે ઓળખાય છે. આ માસમાં દેવીભક્તો જવારાની સ્થાપના કરી માતા દુર્ગાનું પૂજન કરે છે.
રામનવમી-સ્વામી નારાયણ જયંતિ- ચૈત્રસુદ નોમનું મહત્વ અનેરું છે કારણ કે આ દિવસે ભગવાન રામ પણ જન્મ્યાં હતાં અને ભગવાન સ્વામિનારાયણનો પણ જન્મ આજ દિવસે થયો હતો. ભગવાન શ્રી રામનું પણ પ્રાગટ્ય ચૈત્રસુદ નોમની મધ્યાહ્નન સમયે થયો હતો, અને સ્વામી નારાયણ ભગવાનનો જન્મ રાત્રીનાં ૧૦ વાગે થયો હતો. સંતો કહે છે કે ‘ર’ કાર શબ્દમાં બ્રહ્મ છે, ‘અ’ કાર શબ્દમાં વિષ્ણુ છે, અને ‘મ’ કાર શબ્દમાં મહેશ છે. આ રીતે “રામ”નામમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ સમાયેલું છે. સંત તુલસીદાસજી કહે છે કે જ્યારે જીવ અને જગત ત્રિવિધ તાપથી તપ્ત થઈ જાય ત્યારે તેમને સુખ અને શાંતિ આપવા માટે પ્રેમ અને પ્રસન્નતાનાં પૂંજ એવાં પ્રભુ શ્રી રામ જન્મ લે છે. “રામ”શબ્દમાં ર+આ+મ= ત્રણ અક્ષરોનો સમન્વય થયેલો છે. શાસ્ત્રોમાં રામ શબ્દનાં અર્થ બતાવતાં કહ્યું છે કે *પ્રથમ શબ્દ “ર” એ અગ્નિબીજ છે જે જન્મ જન્મનાં પાપોનો નાશ કરે છે તે, બીજો વર્ણ “આ” એટ્લે કે જે મૃત્યુ, ગર્ભાવાસ અને ઓછી આયુ રૂપી શ્રાપને દૂર કરે તે, ત્રીજો શબ્દ “મ” તે ચંદ્ર બીજ પણ છે જે જીવોનાં તાપને દૂર કરીને સંસારનાં તમામ બંધનોમાંથી મુક્ત કરે છે તે રામ છે.
મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી જયંતિ-ચૈત્ર અગિયારસે સંવત ૧૫૩૫ના રોજ રાયપુર જિલ્લામાં આવેલ ચમ્પારણ્યમાં થયો હતો. તેમનાં પિતાનું નામ લક્ષ્મણ ભટ્ટ તથા માતાનું નામ ઈલ્લમાગારુ હતું. જેઓ આંધ્ર પ્રદેશનાં કાંકરવાડ ગામમાં નિવાસ કરતા હતા. તેઓ ભારદ્વાજ ગોત્રના તૈલંગ બ્રાહ્મણ હતા. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ શુધ્ધાદ્વૈત બ્રહ્મવાદની સ્થાપના કરી હતી જે માર્ગ પુષ્ટિમાર્ગ તરીકે ઓળખાયો. તેમણે ૧૧ વર્ષની આયુથી ત્રણવાર ભારત પરિક્રમા કરી હતી. તેઓએ ભારતભરમાં જ્યાં જ્યાં બેસીને શ્રી ભાગવતજીનું પારાયણ કર્યું તે જગ્યાઑ ૮૪ બેઠકજી તરીકે ઓળખાય છે. તેઓએ લખેલા શાસ્ત્રોની સંખ્યા પણ ૮૪ છે. આજે પણ તેમનાં લિખિત ગ્રંથોમાં, તેમની વાણીનાં ગુંજારમાં, તેમની બેઠકજીમાં, તેમની ચરણ પાદુકામાં, અને તેમનાં વંશજોમાં …….. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુ સદૈવ બિરાજે છે.
મહાવીર જયંતિ- બિહારનાં કુંડલગ્રામમાં સિદ્ધાર્થ રાજા અને માતાનું ત્રિશલા દેવીને ત્યાં ચૈત્રમાસની તેરસનાં દિવસે રાજકુમાર વર્ધમાનનો જન્મ થયો હતો. તેમણે 30 વર્ષની વયે ગૃહત્યાગ કર્યો અને આધ્યાત્મિક સફરની શરૂઆત કરી હતી. ૧૨ વર્ષ કઠોર સાધના અને ઇન્દ્રિયોને સયંમિત કર્યા બાદ તેઑ “અરિહંત” બન્યાં પરંતુ ઇન્દ્રિયો પરનાં વીરતાપૂર્વક સંયમને કારણે લોકોએ તેમને મહાવીર તરીકે ઓળખ્યાં. ભગવાન મહાવીરે લોકોને આત્મિક મુક્તિનો શાશ્વત સત્ય માર્ગ બતાવ્યો છે.
હનુમાન જયંતિ-ચૈત્રસુદ પૂનમને દિવસે રામભક્ત હનુમાનજીનું પ્રાગટ્ય થયું હતું. જેમ કોઈપણ શિવાલય નંદી વગરનું હોતું નથી તે જ રીતે ભગવાન શ્રી રામની પંચાયત હનુમાનજી વગર પૂર્ણ થતી નથી. હનુમાન…….રામ ભક્ત હનુમાનજીનું જીવન ચરિત્ર એવું છે જેમાં જેટલું મહત્વ પ્રભુનું છે તેનાંથી વધુ મહત્વ પ્રભુભક્તનું રહેલું છે. ઉત્તર કાંડમાં ભગવાન રામ હનુમાનજીને પ્રિય, વિદ્વાન, ધીર, મહાબલિ, રાજનીતિ નિપુણ વીર તરીકે સંબોધિત કરે છે. પ.પૂ મુરારીબાપુ એક જ વાક્યમાં રામભક્ત હનુમાનજીની ઓળખ આપતાં કહે છે કે હનુમાનજી એટ્લે સેવક ભક્તિ અને સૈનિક શક્તિનો મહાસંગમ. તેઓ કહે છે કે સેવક એટ્લે શું અને સેવક ધર્મનાં નિયમો શીખવા હોય તો હનુમાનજી પાસેથી શીખવા જોઈએ. મહર્ષિ વાલ્મિકી કહે છે કે હનુમાનજીએ બ્રહ્મચર્ય, પાવિત્ર્ય અને ચારિત્ર્યની મંગલ મૂર્તિ છે, જેમના સ્મરણ માત્રથી મનુષ્ય શરીરબળ, મનોબળ, અને બુધ્ધિબળને પ્રાપ્ત કરે છે.
શ્રીમદ્વ ભાગવતજી – માં જણાવ્યું છે કે ચૈત્ર માસમાં ભગવાન વિષ્ણુની નાભિમાંથી પ્રગટ થયેલા એક કમળપત્ર ઉપર સૃષ્ટિસર્જક પરમ પિતા શ્રી બ્રહ્માજીનું પ્રાગટય થયું હતું. આ ઉપરાંત ઉપરોક્ત તહેવારો સિવાય ગુજરાતમાં બહુચર માતાનો ચૈત્રીપૂનમનો મેળો ખૂબ પ્રખ્યાત છે, તો સાથે નાગરોનાં દેવ ભગવાન હાટકેશ્વરની જયંતિ પણ આ જ માસમાં જ આવે છે. ચૈત્ર માસમાં પાર્વતી પુત્રી ઓખાનું પણ ખૂબ મહત્વ રહેલું છે. ઓખાની યાદમાં આ માસમાં ઓખાહરણની કથા વંચાય છે અને અલૂણાં વ્રત કરાય છે પરંતુ સ્વાસ્થય સારું રહે તે હેતુ આ વ્રત સાથે જોડાયેલ છે. આમ હિન્દુ ધર્મનાં અનેક દેવીદેવતાઓનો મહિમા ચૈત્ર માસ સાથે સંકળાયેલ છે.