૪- મે- ૧૭૯૯ – ટીપુ સુલ્તાનનું અવસાન -ટીપુ સુલતાનના અંતિમ દિવસો - સૌરભ શાહ - ( 4th- May એડવાન્સ પોસ્ટ)

 

ટીપુ સુલતાન

ટીપુ સુલતાનના અંતિમ દિવસો

                                                           ગુડ મોર્નિંગ - સૌરભ શાહ

મહમ્મદ ગઝનવીથી માંડીને બાબરથી લઈને ઔરંગઝેબ સુધીના તમામ મુસ્લિમ આક્રમણખોરોએ હિન્દુઓનાં મંદિરો તોડી નાખવા એ પોતાની પવિત્ર ફરજ છે એવું માન્યું હતું અને ટીપુ સુલતાન પણ આમાં અપવાદ નહોતો.


બ્રિટિશ સરકારના આર્કિયોલોજી (પુરાતત્ત્વ) વિભાગના વડા બી. લુઈસ રાઈસે ટીપુએ દક્ષિણ ભારતમાં તોડેલાં મંદિરો વિશે લખ્યું છે:


‘ટીપુ સુલતાનના વિશાળ સામ્રાજ્યમાં એના મૃત્યુ સમયે કુલ મળીને માત્ર બે જ મંદિરો બચ્યાં હતાં. રાજધાની શ્રીરંગપટ્ટનમના કિલ્લામાં આવેલા આ બે મંદિરો ટીપુના ખાસ બ્રાહ્મણ જ્યોતિષીઓનું મન રાખવા બચાવી લેવામાં આવ્યા હતા. ટીપુ આ જ્યોતિષીઓ પાસે પોતાની કુંડળી બતાવીને ભવિષ્યનું પ્લાનિંગ કરતો. ટીપુના રાજ્યના બાકીના તમામ મંદિરોને ૧૭૯૦ સુધીમાં લૂંટી લેવામાં આવ્યાં હતાં અને એ બધી જ મિલકત એણે પોતાના રાજ્યની તિજોરી ભેગી કરી દેવી પડી હતી કારણ કે ટીપુની આવકો સાવ ઘટી ગઈ હતી.’


લાહોર સ્ટાફ કૉલેજે પ્રગટ કરેલા પુસ્તકમાં પણ ટીપુએ તોડી નાખેલાં, ભ્રષ્ટ કરેલાં મંદિરો વિશેની વિગતે નોંધ છે. વિલિયમ લોગાને ‘મલબાર મૅન્યુઅલ’માં ટીપુએ નષ્ટ કરેલાં મંદિરોની લગભગ સંપૂર્ણ કહી શકાય એવી યાદી આપી છે.


બી. લેવિસ રાઈસે ‘માયસોર ગેઝેટિયર’માં લખ્યું છે કે ટીપુએ દક્ષિણ ભારતમાં કુલ લગભગ ૮,૦૦૦ (આઠ હજાર) જેટલાં મંદિરો તોડ્યાં હતાં. કર્નલ આર. ડી. પાલ્સકરે પણ એમના રિસર્ચમાં આ આંકડો ક્ધફર્મ કર્યો છે. ટીપુએ નષ્ટ કરેલું સૌથી પ્રાચીન મંદિર માલાપુરમ્ જિલ્લાનું તિરુનવય મંદિર છે જેનો ઈતિહાસ ૫,૦૦૦ વર્ષ જૂનો છે એવી લોકવાયકા છે અને જેનો ૧૩૦૦ વર્ષનો લેખિત ઈતિહાસ આજે પણ દસ્તાવેજોમાં સચવાયેલો છે. વેદાભ્યાસ માટે આ મંદિર દક્ષિણ ભારતમાં ખૂબ નામના પામ્યું છે. ટીપુના લશ્કરે આ મંદિરને લૂંટીને તહસનહસ કરી નાખ્યું હતું.


ટીપુએ આખા ભારતમાં ખૂબ જાણીતું એવું ગુરુવયુરનું કૃષ્ણમંદિર પણ તોડી નાખ્યું હતું અને આજે કેટલાક સેક્યુલરો દાવો કરે છે કે ટીપુએ તો એ મંદિર બાંધવાની જગ્યા હિંદુઓને દાનમાં આપી હતી! સી. કે. અહમદ નામના જાણીતા ‘વિદ્વાને’ આવો દાવો કર્યો છે. નસીબજોગે ટીપુ સેનાના આગમનની એંધાણી મળતાં જ હિન્દુઓના આ જાણીતા મંદિરની મૂર્તિને ખસેડીને અંબાલાપુળાના કૃષ્ણ મંદિરમાં છુપાવી દેવામાં આવી હતી. ટીપુના શાસનનો અંત આવ્યા પછી ફરી એ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં


આવી. ટીપુના અંતકાળ પછી ટીપુએ જેનું ધર્મપરિવર્તન કરાવ્યું હતું તે હિન્દુમાંથી મુસ્લિમ બનેલા એક અમલદારે ગુરુવયુરના મંદિરનો ર્જીણોદ્ધાર કરવામાં અને મંદિરની જમીન પાછી અપાવવામાં મદદ કરી હતી. ઈતિહાસની આ હકીકતને સેક્યુલર - સામ્યવાદી ઈતિહાસકારોએ કેવી મારીમચડી નાખી તે તમે જોઈ શકો છો.


મંદિરોને લગતી આવી બીજી એક મશહૂર ગડબડ શ્રૃંગેરીના શંકરાચાર્યના મઠને ટીપુએ આપેલા દાનને લગતી છે. આની નોંધ તો ભવન્સના ગ્રંથોએ પણ આગળ પાછળના પૂરતા રેફરન્સ વિના લીધી છે જેને લીધે તમને લાગે કે ટીપુ કંઈ હિન્દુદ્વેષી કે ટેમ્પલતોડુ નહોતો. બી. લેવિસ રાઈસે આ ‘મદદ’ને રાઈટ પર્સપેક્ટિવમાં મૂકી આપી છે જેની નોંધ ભવન્સના ઈતિહાસના ગ્રંથોમાં ઉમેરાવી જોઈતી હતી.


જિંદગીના છેલ્લા દાયકામાં ટીપુ લગભગ બધી જ રીતે પરાસ્ત થઈ ચૂકેલો. ૧૭૯૨ની સંધિમાં એણે પોતાનું અડધા જેટલું રાજ્ય અંગ્રેજોને આપી દેવું પડ્યું હતું જે એ ત્યાંની બહુમતી પ્રજાને અંગ્રેજો વિરુદ્ધ ઉશ્કેરીને પાછું લેવા માગતો હતો. આવું ત્યારે જ થઈ શકે જ્યારે એ બહુમતી પ્રજા પોતાના તરફી થઈ જાય. એને હવે સમજ પડવા માંડી હતી કે બહુમતી પ્રજાને દુભવીને પોતે એમના પર રાજ નહીં કરી શકે. આવી રાજકીય શતરંજના દાવપેચના ભાગરૂપે ટીપુએ શ્રૃંગેરીના શંકરાચાર્યને મધમીઠી જબાનમાં પત્રો લખ્યા અને મોટી મોટી ભેટો મોકલી. લીલા પ્રસાદે સુરેન્દ્રનાથ સેનને ક્વોટ કરીને આ માહિતી લખી છે. વી. આર. પરમેશ્ર્વરન પિલૈએ ‘લાઈફ હિસ્ટરી ઑફ રાજા કેશવદાસ’ પુસ્તકમાં ટીપુના જ્યોતિષપ્રેમ વિશે નોંધીને લખ્યું છે: ‘... આ બધી ભેટો - આર્થિક મદદો હિન્દુઓ પ્રત્યેના કે હિન્દુઓના ધર્મ પ્રત્યેના આદરને લીધે નહીં, પરંતુ ફરી એકવાર પાદશાહ બનવાના પ્રયત્નોરૂપે શ્રૃંગેરી મઠને મોકલવામાં આવતી. (કારણ કે) ટીપુના જ્યોતિષીઓએ ભવિષ્ય ભાખેલું કે આવું કરવાથી તે ફરી એકવાર પાદશાહ બની શકશે.


શ્રૃંગેરી મઠને આપેલી ભેટો ન તો ટીપુનું હૃદયપરિવર્તન હતું, ન એની હિન્દુ ધર્મ પ્રત્યેની સહિષ્ણુતા. એ માત્ર એક પોલિટિકલ ચાલ હતી.


આવી જ બીજી એક ક્લાસિક મિસક્ધસેપ્શન ટીપુને ભારતના ‘મિસાઈલ મૅન’ ગણાવવાની છે. ટીપુએ દૂર સુધી જતાં રોકેટ જેવાં શસ્ત્રોની શોધ કરી એવો જશ એને આપવામાં આવે છે. હકીકતમાં એ ફ્રેન્ચ ટેક્નોલોજી હતી જે ફ્રેન્ચ શાસકોએ ટીપુને અંગ્રેજો સામે લડવા માટે આપી હતી. જોકે, ફ્રેન્ચ-અંગ્રેજ સરકારો વચ્ચે સંધિ-સુલેહ થઈ ગયા પછી ટીપુને મળતો ફ્રેન્ચ ટેકો પાછો ખેંચાઈ ગયો હતો.


ટીપુએ જે કંઈ યુદ્ધો કર્યા તે પોતાના સામ્રાજ્યના વિસ્તાર માટે કે સામ્રાજ્યને બચાવવા માટે કર્યા. એણે શરૂમાં મરાઠાઓને પોતાની સાથે લેવાનો પ્રયત્ન કર્યો અને મરાઠાઓને નિઝામ તથા અંગ્રેજો વિરુદ્ધ ઉશ્કેરતા પત્રો લખ્યા. આ બાજુ એણે નિઝામને પણ પોતાની સાથે લેવાનો પ્રયત્ન કર્યો અને નિઝામને લખેલા પત્રોમાં મરાઠાઓ-અંગ્રેજો આપણા કૉમન દુશ્મન છે એવું લખ્યું. ટીપુએ જ નહીં એના બાપ હૈદર અલીએ પણ અંગ્રેજોનો સાથ લઈને મરાઠાઓ તથા નિઝામને હરાવવાના એક કરતાં વધારે પ્રયત્નો કર્યા હતા જેના દસ્તાવેજી પુરાવાઓ મોજૂદ છે. છતાં આપણને ઈતિહાસમાં ભણાવવામાં આવ્યું કે મહાન ટીપુ માભોમ ભારતની સ્વતંત્રતા માટે અંગ્રેજો સાથે લડતો. ટીપુ અંગ્રેજ સામે જરૂર લડ્યો, એણે લડવું પડ્યું પણ એનું કારણ, આગળ કહ્યું તેમ એની પોતાની સત્તાલાલસા, નહીં કે ભારતભૂમિ માટેનો પ્રેમ.


ટીપુને જો ભારતની ભૂમિ માટે એટલો જ પ્યાર હતો તો એણે શું કામ અફઘાનિસ્તાનના ખલીફા ઝમન ખાનને ભારત પર આક્રમણ કરવાનું આમંત્રણ આપવું પડે. આ વાત તમારા માટે નવી છે. મારા માટે પણ ટીપુ વિશે સંશોધન કરવામાં જાણવા મળી. ફોર્ટ વિલિયમ, કલકત્તાના રેકૉર્ડ્સ ડિપાર્ટમેન્ટમાં સચવાયેલા ટીપુના ફારસીમાં લખાયેલા પત્રોને એન. બી. એડમન્ડસ્ટોને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કર્યા છે જે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વિવિધ ગેઝેટ્સમાં છપાયા છે. દિલ્હીની મોગલ સલ્તનતનો અસ્ત થઈ ગયો હતો અને ટીપુના જ શબ્દોમાં: ‘(દિલ્હીનો મોગલ શાસક) માસિક પંદર હજાર રૂપિયાના પગારમાં મરાઠા સિંધિયાની નોકરી કરી રહ્યો છે.’ ટીપુ ચાહતો હતો કે ઝમન શાહ ઉત્તર ભારત પર ચડાઈ કરી લે અને પોતે એની મદદથી આખા હિન્દુસ્તાનને કબજે કરી એકહથ્થું શાસક બની જાય. ટીપુએ પોતાના પત્રો મીર હબીબુલ્લા અને મોહમ્મદ રઝા નામના પોતાના રાજદૂતો સાથે ઝમન શાહને મોકલ્યા હતા જેઓ કરાચી થઈને કાબુલ પહોંચીને અફઘાનિસ્તાનના એ શાસકને મળ્યા હતા. બંને વચ્ચે કુલ પાંચથી છ વાર પત્રવ્યવહાર થયો. છેવટે ઝમન શાહના મોઢામાં પણ લાળ ટપકી.


૩૦ જાન્યુઆરી ૧૭૯૯ના રોજ ટીપુએ ખુશખુશાલ થઈને ઝમન શાહનો આભાર માનતો પત્ર લખ્યો, અને ઝમન શાહ તાબડતોબ કાફિરોને પરાસ્ત કરવા માટે જેહાદ છેડશે એવી આશા પ્રગટ કરી. ટીપુ જાણતો હતો કે આ એની છેલ્લી આશા હતી કારણ કે અંગ્રેજો એના પર આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યા હતા એની જાણ એને થઈ ગઈ હતી.


ટીપુએ માત્ર ઝમન શાહને જ ભારત પર આક્રમણ કરવાનું આમંત્રણ નહોતું આપ્યું. ઈરાનના રાજા ફત્તેહ અલી ખાન અને કોન્સ્ટન્ટિનોપલના ખલીફ સુલતાન સલીમને પણ ભારત પર ચડાઈ કરવા બોલાવ્યા હતા જેને લગતા દસ્તાવેજી પત્રો ૧૪ સપ્ટેમ્બર ૧૭૯૯ના મદ્રાસ ગેઝેટમાં છપાયા છે જે જે. એ. ગ્રાન્ટ દ્વારા અંગ્રેજીમાં તરજૂમો પામ્યા છે.


ટીપુનો અંત ૧૭૯૯માં આવ્યો પણ એની પડતી ૨૩ ફેબ્રુઆરી ૧૭૯૨ની રાત્રે નવ વાગ્યે એણે અંગ્રેજો સાથે કરેલી સંધિથી શરૂ થઈ ચૂકી હતી. આ સંધિ અનુસાર ટીપુએ અંગ્રેજોની તમામ શરતો માન્ય રાખવી પડી હતી જેમાંની એક હતી યુદ્ધના ખર્ચ પેટે ટીપુએ અંગ્રેજોને પોતાનું અડધું રાજ્ય તેમ જ રૂપિયા ત્રણ કરોડ, તેંત્રીસ લાખ આપવાના. એટલું જ નહીં અંગ્રેજોએ ટીપુ પાસે એ પણ લખાવી લીધું હતું કે જ્યાં સુધી સંધિની તમામ શરતોનો અમલ પૂરો નહીં થાય ત્યાં સુધી ટીપુના બે દીકરાઓ અંગ્રેજોના તાબામાં રહેશે. માર્ક્સવાદી ઈતિહાસકારોએ ટીપુના દીકરાઓને બાનમાં રાખવાની ઘટનાને ટીપુ માટે સહાનુભૂતિ ઉપજે એવો રંગ આપ્યો છે. હકીકત એ હતી કે અત્યાર સુધીની બધી જ સંધિઓની શરતો ટીપુએ તોડી હતી એટલે અંગ્રેજો એના પર વિશ્ર્વાસ મૂકી શકે એમ નહોતા. ૨૬ ફેબ્રુઆરી ૧૭૯૨ના રોજ ટીપુએ પોતાના બીજા અને ત્રીજા દીકરાની અંગ્રેજોને સોંપણી કરી જેના સાક્ષીરૂપે મરાઠાઓ વતી હરિ પંત તથા નિઝામ વતી આઝમી-ઉલ-ઉમરા હતા.


અંગ્રેજોની છાવણીમાં ટીપુના આ બે સગીર વયના દીકરાઓ પ્રવેશ્યા ત્યારે એમને અંગ્રેજોએ ૨૧ તોપની સલામી આપી હતી અને બેઉને એક એક સોનાની ઘડિયાળ ભેટ આપી હતી. બે વર્ષ બાદ અંગ્રેજોએ બંને ટીપુ પુત્રોને પાછા મોકલી દીધા.


૧૭૯૯ની ચોથી મે ટીપુની જિંદગીનો આખરી દિવસ હતો. છેલ્લા એક મહિનાથી અંગ્રેજ સૈન્ય ટીપુના કિલ્લાને ઘેરો ઘાલીને ઊભું હતું. સંધિના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા, ત્યારે ૨૮ એપ્રિલે ટીપુએ પોતાના તાબામાં રહેલા ૧૩ અંગ્રેજ કેદીઓની ગરદન દરબારી કુશ્તીબાજોના હાથે મરોડીને મારી નાખ્યા.


ટીપુ સુલતાન અંગ્રેજ સૈનિકોની બંદૂકોમાંથી નીકળેલી ચાર ગોળી ખાઈને મર્યો. ચોથી ગોળી એના લમણે મારવામાં આવી હતી. ટીપુના મર્યા પછી બીજા જ મહિને, ૨૪ જૂન ૧૭૯૯ના રોજ અંગ્રેજોએ મૈસૂરનું રાજ્ય એના મૂળ ઑડ્યાર રાજવીઓને વિધિવત પાછું સોંપી દીધું. એટલું જ નહીં ટીપુના પરિવારને એના ઝનાનાની ૬૫૦થી વધુ સ્ત્રીઓને તેમ જ એમની ચાકરી તથા ચોકી કરતા બીજા ચારસો જણને સહીસલામત વેલોરના કિલ્લામાં ખસેડીને એમને શાહી અદબથી રાખ્યાં.


ટીપુએ એના બાપ હૈદર અલીના પરિવારનો વસવાટ પોતાનાથી નોખો રાખ્યો હતો. હૈદરના ઝનાનામાં બસોથી વધુ સ્ત્રીઓ હતી જેમાં હૈદરની વિધવાઓ, હૈદરની રખાતો અને આ સ્ત્રીઓથી હૈદરને થયેલા બીજા પુત્રોની પત્નીઓ તેમ જ એમની રખાતોનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત એમની સેવાચાકરી માટેનો સ્ટાફ જુદો. ટીપુ બાપની સ્ત્રીઓ અને બાપનાં સંતાનોના નિભાવ ખર્ચ માટે મહિને એક લાખ સોનામહોરો આપતો. ટીપુના મર્યા બાદ અંગ્રેજોએ એ આ નિભાવખર્ચમાં વધારો કર્યો અને એ ભાર મૈસૂરની તિજોરી પર ન પડે એ માટે પોતે લઈ લીધો.


વેલોરમાં ટીપુનો પરિવાર નજરકેદમાં હતો પણ એમની લાઈફસ્ટાઈલ શાહી વૈભવશાહી હતી. ટીપુના દીકરાઓ માટે ત્યાં બીજું કોઈ કામકાજ નહોતું એટલે બેઠાં બેઠાં એમણે વેલોર કિલ્લામાં કેદ રાખેલા બીજા કેદીઓ સાથે મળીને બળવો પોકાર્યો. અંગ્રેજોએ તાબડતોબ પગલાં લઈને આ દીકરાઓને કલકત્તાના બ્રિટિશ કિલ્લાભેગા કરી દીધા. જોકે, એમનું શાહી પેન્શન ચાલુ રાખ્યું. એ પછીના સૈકાઓ દરમ્યાન ટીપુના વારસદારો કલકત્તાની પ્રજામાં ભળી ગયા અને કેટલાક ભારતના ભાગલા વખતે પાકિસ્તાનભેગા થઈ ગયા.

સંકલન : Articles I Like માંથી