ખત્રી જયંત હીરજી (૨૪-૯-૧૯૦૯, ૬-૬-૧૯૬૮) અવસાન - 6th - May

         ખત્રી જયંત હીરજી (૨૪-૯-૧૯૦૯, ૬-૬-૧૯૬૮) : વાર્તાકાર. મુંદ્રા (કચ્છ)માં જન્મ. પ્રાથમિક શિક્ષણ ભૂજમાં. માધ્યમિક શિક્ષણ મુંબઈની ન્યૂ ભરડા હાઈસ્કૂલમાં. ૧૯૨૮ માં મેટ્રિક. ૧૯૩૫ માં મુંબઈ નેશનલ મેડિકલ કૉલેજમાંથી એલ.સી.પી.એસ. થઈ પહેલાં ત્યાં ને પછી માંડવી (કચ્છ)માં દાકતરી વ્યવસાય. ભૂજમાં અને મુંબઈમાં શ્રમજીવીઓની વચ્ચેના વસવાટને કારણે તે વર્ગના જીવનની વિષમતાઓનો પ્રત્યક્ષ અનુભવ થયો. બકુલેશાદિ મિત્રોની સાથે સામ્યવાદી વિચારસરણીના ઘનિષ્ઠ પ્રભાવ હેઠળ આવ્યા. નાવિક મંડળ, કચ્છ-માંડવી તથા માંડવી નગરપાલિકાના પ્રમુખ. ઉમાસ્નેહરશ્મિ પારિતોષિકવિજેતા. કેન્સરથી માંડવીમાં અવસાન.

         ‘ફોરાં’ (૧૯૪૪), વહેતાં ઝરણાં’ (૧૯૫૨) અને ‘ખરા બપોર’ (મરણોત્તર, ૧૯૬૮) સંગ્રહોમાં એમની એકતાલીસ વાર્તાઓ છે. જુદાં જુદાં સામયિકોમાં પ્રગટ થયેલી આઠ વાર્તાઓ અગ્રંથસ્થ છે. ‘લોહીનું ટીપું’, ‘આનંદનું મોત’, ‘ખીચડી’, ‘હું’, ‘ગંગી અને અમે બધાં’, ‘સિબિલ’ વગેરે વાર્તાઓ વાસ્તવલક્ષી અભિગમને લીધે, તો ‘અમે બુદ્ધિમાનો’, ‘યાદ અને હું’, ‘અમે’, ‘પ્રતાપ ઓ પ્રતાપ !’, ‘ડેડ એન્ડ’, ‘ખલાસ’, ‘જળ’ વાર્તાઓ વિશિષ્ટ નિરૂપણરીતિ તેમ જ પ્રયોગાત્મક વલણને કારણે ધ્યાન ખેંચે છે. ‘પતંગનું મોત’, ‘માટીનો ઘડો’, ‘નાગ’માં રહસ્યને કલાત્મક રીતે વંયજિત કરવામાં પ્રતીકો અને કલ્પનોનો વિનિયોગ થયો છે, તો ‘ધાડ’, ‘ખરા બપોર’ અને ‘માટીનો ઘડો’માં પ્રદેશવિશેષનું જીવંત તાદ્રશ ચિત્રણ વાર્તા સાથે આંતરસંબંધ પણ ધરાવે છે. સ્વરૂપની દ્રષ્ટિએ આ બધી વાર્તાઓ ઘટનાપ્રધાન છે. સ્થૂળ અને આકસ્મિક ઘટનાઓનો આધાર પણ લેવાયો છે, પરંતુ દ્રષ્ટિક્ષેપ પાત્રોના ભીતરી વ્યાપારો પર જ હોય છે. એ ભીતરી વ્યાપારોથી પ્રેરિત પ્રતિક્રિયા ફરી કોઈ ગમખ્વાર ઘટના સરજે છે. માનવમનની ગૂઢ સંકુલતાઓને વાર્તાકાર એવી રીતે આલેખે છે કે એમાંથી ઘણીવાર કલાપોષક સંદિગ્ધતા જન્મે છે. ‘તેજ ગતિ અને ધ્વનિ’ આ દ્રષ્ટિએ નોંધપાત્ર રચના છે.

- ધીરેન્દ્ર મહેતા


        ફોરાં (૧૯૪૪) : જયંત ખત્રીનો પ્રથમ વાર્તાસંગ્રહ. એમાંની ચૌદ વાર્તાઓ જુદાં જુદાં સ્તરની છે. ‘યાદ અને હું’, ‘અમે’ અને ‘વરસાદની વાદળી’માં અભિગમ ઊર્મિશીલ છે; તો ‘આનંદનું મોત’ અને ‘બે આની’ વાસ્તવલક્ષી અભિગમવાળી વાર્તાઓ છે. ‘લોહીનું ટીપું’ એમની યશોદાયી કૃતિ છે. એમાં અને ‘દામો અરજણ’, ‘કાળો માલમ’, ‘હીરો ખૂંટ’, ‘બંધ બારણા પાછળ’, ‘અવાજ-અજવાળાં’, ‘શેર માટીની ભૂખ’માં જાતીય વૃત્તિ અને વ્યવહારનું વિભિન્ન દ્રષ્ટિકોણથી આલેખન છે. ‘અમે બુદ્ધિમાનો’ ક્રાંતિ માટે ઉત્સાહી બુદ્ધિમાનોના વ્યવહારમાં રહેલી વાસ્તવ દ્રષ્ટિની ઊણપને, તો ‘એક મહાન મૈત્રી’ સર્જકની સમગ્ર વાર્તાસૃષ્ટિમાં વિરલ હાસ્યરસને નિરુપે છે.

- ધીરેન્દ્ર મહેતા


          ખરા બપોર (૧૯૬૮) : જયંત ખત્રીનો ત્રીજો (છેલ્લો) મરણોત્તર પ્રકાશિત વાર્તાસંગ્રહ. ‘ધાડ’ અને ‘ખરા બપોર’ જેવી વાર્તાઓમાં કથ્ય અને પરિવેશને અભિન્ન રાખીને, તો ‘માટીનો ‘ઘડો’ અને ‘નાગ’માં પ્રતીક-કલ્પનની સાદ્યંત ગૂંથણી કરીને વાર્તાકારે પોતાના કલાકસબનો હિસાબ આપ્યો છે. ‘ડેડ એન્ડ’માં વેશ્યાજીવન જીવતી બે સ્ત્રીઓના વૃત્તાંતની ધ્વનિવ્યંજક સહોપસ્થિતિ છે, તો ‘સિબિલ’માં સમયનું સૂક્ષ્મ સંયોજન છે. ‘ખલાસ’માં પુરુષપાત્રના વિચ્છિન્ન ચિત્તવ્યાપારોનું નિરૂપણ છે, તો ‘જળ’, ‘મુક્તિ’ તથા ‘ઈશ્વર છે ?’ અન્યોકિત લેખે ધ્યાન ખેંચે છે. નિરૂપણરીતિના આટલા વૈવિધ્ય સાથે આ કૃતિઓમાં માનવજીવનની સંકુલતા સાથેનું, તેના આવેગો અને વિષમતાઓનું કરુણગર્ભ આલેખન થયું છે.

- ધીરેન્દ્ર મહેતા


          લોહીનું ટીપું : જયંત ખત્રીની આ ટૂંકીવાર્તામાં વંશાનુગત મળેલા સંસ્કારની કેદનું સૂક્ષ્મ વ્યંજનાથી નિરૂપણ થયું છે.

- ચંદ્રકાન્ત ટોપીવાળા


           તેજ ગતિ અને ધ્વનિ : જયંત ખત્રીની ટૂંકીવાર્તા. અહીં પિતા વીરસિંહ, જમીનદાર પ્રસાદજી અને પતિ નરપતિની પ્રતિક્રિયાઓ વચ્ચે કસ્તૂરીના સંવેગોનું અને સૌંદર્યનું ઊઘડતું જગત વાસ્તવ અને તરંગના આકર્ષક સંમિશ્રણ રૂપે પ્રતીત થાય છે. 

- ચંદ્રકાન્ત ટોપીવાળા