૨-જૂન-૧૯૮૮ - ભારતીય બહુવિધ પ્રતિભાશાળી અભિનેતા રાજ કપૂરની પુણ્યતિથિ - 2 - June



રાજ કપૂરને ૧૯ વખત ફિલ્‍મફેર એવોર્ડ માટે નોમીનેશન મળ્‍યા હતા : જેમાંથી નવ વાર ફિલ્‍મફેર એવોર્ડઝ મળ્‍યા વર્ષ ૨૦૦૨માં સ્‍ટાર - સ્‍ક્રીન એવોર્ડ ‘‘શો-મેન ઓફ ધી મિલેનિયમ'' થી સન્‍માનિત કરવામાં આવ્‍યા વર્ષ ૨૦૦૧માં BEST DIRECTOR OF MILLENNIUM નામક સ્‍ટારડસ્‍ટના એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવ્‍યા ભારતના રાષ્‍ટ્રપતિ વેંકટરામનના હસ્‍તે ૧૯૮૭માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત થયો રાજ કપૂર - ઉંમર ૬૩ વર્ષ જન્‍મ - ૧૪ ડિસેમ્‍બર ૧૯૨૪ પેશાવર અવસાન- ૨ જૂન ૧૯૮૮ દિલ્‍હી ભારત સરકારે ૧૯૭૧માં રાજ કપૂરને પદ્મભૂષણથી સન્‍માનિત કર્યા હતા જીવનપર્યંત શ્રેષ્‍ઠ સંગીતવાળા ફિલ્‍મો આપવા છતાં આર. કે. બેનર હેઠળની શંકર જયકિશનનાં સંગીતને માત્ર એક ફિલ્‍મને ફિલ્‍મ ફેર એવોર્ડ મળ્‍યો તે ફિલ્‍મ હતી ‘‘મેરા નામ જોકર''
રાજકપૂર ભારતીય ફિલ્‍મનાં સફળતમ્‌ નિર્માતા - દિગ્‍દર્શક તથા અભિનેતા રહ્યા હતા. ગઈસદીના ભારતીય ફિલ્‍મના સૌથી મહાન શો મેન' રહ્યા હતા. ૧૯૪૮ની ફિલ્‍મ ‘‘આગ'' થી તેમણે ફિલ્‍મ નિર્માણ ક્ષેત્રે પર્દાર્પણ કર્યુ હતું. અલબત ૧૯૩૫ની ફિલ્‍મ ઈન્‍કલાબ માં તે પરદા પર પ્રથમવાર દૃશ્‍યમાન થયા હતા. તે સમયે તેમની ઉંમર માત્ર અગિયાર વર્ષની હતી. અન્‍ય કેટલીક ફિલ્‍મોમાં ભૂમિકાઓ ભજવ્‍યા બાદ ૧૯૪૭માં નીલ કમલ' માં અભિનેત્રી મધુબાલા સામે પ્રથમ મોટો બ્રેક મળ્‍યો. જેમાં તેમણે નાટકની ભૂમિકા અદા કરી હતી. મધુબાલાની પણ નાયિકા રૂપે આ પ્રથમ ફિલ્‍મ હતી. રાજકપૂરે તેમની ચોવીસ વર્ષની ઉંમરે આર. કે. સ્‍ટુડિયોની સ્‍થાપના કરી હતી. ફિલ્‍મ આગ' ના નિર્માણ દ્વારા તે દેશના સૌથી નાની ઉંમરના દિગ્‍દર્શક - નિર્માતા - અભિનેતા બની ગયા હતા.
 આર. કે. પ્રોડકશનની પ્રથમ ફિલ્‍મ આગ' (૧૯૪૮)ના ગીતો (સંગીત - રામગાંગુલી) ખૂબ ગાજ્‍યા અને લોકપ્રિય થયા પરંતુ એ ફિલ્‍મ બહુ ચાલી નહિં, તે પછી તો આર. કે. બેનર હેઠળ રાજ કપૂરે ઘણી કમર્શીયલ સફળ ફિલ્‍મો બનાવી અને તેનું સૌથી મોટું જમાપાસુ જોતા રાજ તે સમયના સફળ ફિલ્‍મ પર્સનાલીટી બની ગયા.
   રાજ કપૂરના વ્‍યકિતત્‍વના વિવિધ પાસાઓ તપાસીએ તો તેઓ સફળ નિર્માતા, ઉત્તમ દિગ્‍દર્શક, સંવેદનશીલ અભિનેતા, સારા ગાયક, દીર્ઘદૃષ્‍ટા એડીટર, સારા સંગીતજ્ઞ અને રીધમ વાદક હતા. એ ઉપરાંત એક સફળ - લીડર પણ હતા. રાજકપૂરના વ્‍યકિતત્‍વના અનેક પાસાઓ વિશે ઘણુ ઘણુ લખાયુ છે પરંતુ તેમની સંગીત વિશેની જાણકારી જ્ઞાન - તથા વાદક તરીકેની ક્ષમતા અંગે જૂજ લખાયુ છે. સંગીતની માવજત તથા સંગીતમાં ભાવ પ્રદર્શન, વાદનની લોકમાનસ ઉપરની અસર અંગે રાજ ખૂબ સજાગ હતા. રાજકપૂરની વર્ષગાંઠ (જન્‍મ ૧૪-૧૨-૧૯૨૪) પ્રસંગે ફિલ્‍મોમાં સંગીત ઉપર તેમનું પ્રભુત્‍વ અને માવજત અંગે અત્રે છણાવટ કરી તેમને અંજલી આપવા પ્રયત્‍ન કર્યો છે.
            રાજકપૂર ફિલ્‍મ નિર્માણના દરેક વિભાગના નિષ્‍ણાંત હતા. તેમણે પોતાની કારકિર્દી નાનામાં નાના પાયેથી શરૂ કરી હતી. તેમની લગન અને સખત મહેનત તેમને સફળતા અને ‘‘ગ્રેટેસ્‍ટ શો મેન ઓફ ઈન્‍ડિયન સ્‍ક્રીન'' ના બિરૂદ સુધી લઈ ગઈ. ફિલ્‍મ નિર્માણના વિવિધ વિભાગો જેવા કે કેમેરા વર્ક, સેટડીઝાઈનીંગ, લાઈટીંગ, લોકેશન પસંદગી તથા ફિલ્‍મ સંગીત ક્ષેત્રે - વાજીંત્રની એરેન્‍જમેન્‍ટ, ગીતના શબ્‍દો, ગીતકાર, ગીતની ધૂનની પસંદગી વગેરેમાં માહેર બન્‍યા. ફિલ્‍મના કોઈપણ દૃશ્‍ય કે ગીતના ફિલ્‍માંકનનું તેઓ પૂર્વાવલોકન કરી શકતા. જેના કારણે પોતાના સમગ્ર યુનિટ પાસેથી પોતાની અપેક્ષા મુજબનું કામ લઈ શકતા.
   રાજ પાસે સંગીત સર્જન માટે કાયમી ખાસ ટીમ હતી. જેમાં શંકર - જયકિશન - ગીતકાર શૈલેન્‍દ્ર - હસરત જયપુરી તથા ગાયક મુકેશ મુખ્‍ય હતા. આ ફલકમાં સંગીત સહાયક દત્તારામ તથા એરેન્‍જર સેબેસ્‍ટીયનનો સમાવેશ હતો. આ યાદી છેક સાઉન્‍ડ રેકોર્ડીસ્‍ટ મીનુકાપત્રક તથા તેમના સહાયક ડી. ઓ. ભણસાલી સુધી ગણાવી શકાય.
   રાજ પોતે પણ સારા સુરીલા ગાયક હતા. નાનપણથી જ તેમને સંગીત શીખવાનો શોખ હતો. સંગીતની તાલીમ માટે તે સંગીતકાર ખેમચંદ પ્રકાશનાં ભાઈ પંડિત જગન્‍નાથ પ્રકાશજી પાસે જતા હતા. મુકેશ પણ ત્‍યાં જ સંગીત શીખવા જતા હતા. ખાસ તો આ બંને તે સમયના સફળતમ ગાયક - અભિનેતા કુંદનલાલ સાયગલ - જે ત્‍યાં રિયાઝ માટે જતા તેમને જોવા સાંભળવા જ ખાસ હાજર રહેતા. સાયગલને જોઈને રાજ - મુકેશના મનમાં પણ ગાયક અભિનેતા બનવાના બીજ રોપાયા પણ વિધિના લેખ તો કંઈ અલગ જ લખાયા હતા. કાળક્રમે રાજ સફળ અભિનેતા બન્‍યા જયારે મુકેશ સફળ ગાયક બન્‍યા. રાજ ન ગાયક બની શકયા કે ન તો મુકેશ સફળ અભિનેતા. જતા દહાડે મુકેશ - રાજકપૂનો પડદા પરનો અવાજ બની ગયા. જો કે રાજે અમુક ફિલ્‍મોમાં પોતાનો કંઠ ગાયક રૂપે આપ્‍યો જ છે. (ફિલ્‍મો - ચીતચોર-ચિતોડ વિજય-જેલયાત્રા તથા ગોપીનાથ) જયારે મુકેશે પણ અભિનેતા તરીકે કારકિર્દી જમાવવાની કોશિષ કરી હતી. પણ અસફળ રહ્યા.
            રાજકપૂરે શાસ્ત્રીય સંગીતની વ્‍યવસ્‍થિત કે સઘન તાલીમ લીધી ન હતી. છતાં તેમણે પોતાની ફિલ્‍મોમાં પોતાને પસંદ હતા તેવા રાગો (ભૈરવી - શિવરંજની-પહાડી-માલકૌસ-દરબારી) નો ગીતોમાં ઉપયોગ કર્યો હતો. જો કે રાજ પોતે તબલા - ઢોલક અને ડફના સારા એવા જાણકાર અને વાદક હતા. તે ઉપરાંત અન્‍ય વાજીંત્રોની વગાડવાની પદ્ધતિ અને ચોક્કસ રીતથી વાકેફ હતા. તેથી સંગીતકાર શંકર - જયકિશન (અને પાછળથી બીજા સંગીતકારો) પાસેથી પણ પોતાની ઈચ્‍છિત સ્‍વરચના વગડાવી શકતા કે યોગ્‍ય સુચન કરી શકતા હતા. કયા સમયે કયો સંગીતનો પીસ, કયા વાજીંત્ર દ્વાર વગાડવો તેનું સ્‍પષ્‍ટ સુચન આપી શકતા. પરિણામે આર. કે. ની ફિલ્‍મોના ગીત - સંગીત ઉપર રાજકપૂરની છાપ લાગી જતી. જાણકાર શ્રોતા આવા ગીતો સાંભળતા જ તેને આર. કે. ના ગીત તરીકે ઓળખી કાઢતા.
           શંકર જયકિશન આર. કે. સ્‍ટુડિયોના પગારદાર સંગીતકાર હતા. આ બંને દરરોજ આર. કે. સ્‍ટુડિયોના મ્‍યુઝીક રૂમ પર પોતાના ખાસ વાદકો, દતારામ અને સેબેસ્‍ટીયન સાથે એકઠા મળતા અને ફિલ્‍મો માટે ગીતોની ધૂન - તર્જ બનાવતા રહેતા. આવી તૈયાર ધૂન રાજને સંભળાવવામાં આવતી. જે કોઈ ધૂન રાજને પસંદ આવે તે રાજ પોતાની ફિલ્‍મ માટે અનામત રાખતા બીજી ધૂનો સંગીતકારો બીજી ફિલ્‍મોમાં વાપરી શકતા. આમ શંકર - જયકિશને બનાવેલી અનેક તર્જ ધૂનો રાજના કબ્‍જામાં રહેતી હતી. જેમાની ધૂનો શંકર જયકિશનની આર. કે. માંથી વિદાય પછી પણ આર. કે. ની ફિલ્‍મોમાં વાપરવામાં આવી હતી.
            સંગીતના શ્રેષ્‍ઠ સર્જન માટે આર. કે. નું બજેટ હંમેશા ખુલ્લુ રહેતું. એસ. જે. ના એરેન્‍જર એબેસ્‍ટીયને એક જગ્‍યા પર જણાવેલુ કે ‘‘સંગીતની શ્રેષ્‍ઠ ગુણવતા માટે રાજસાબ ગમે તેટલી સંખ્‍યામાં વાજીંત્રો તથા સાજીંદાઓ લાવવાની છૂટ આપતા આ વાતથી એ સાબિત થાય છે કે રાજ કપૂરને માત્ર સંગીતની સ્‍વર રચનામાં જ નહિં બલ્‍કે મ્‍યુઝીક એરેન્‍જમેન્‍ટની પણ ઉંડી સમજ હતી. રાજ કપૂરે તો કહ્યું જ છે કે "I WAS NEVER A COMPOSER, I WAS ALWAYS A CONDUCTOR."
   તેઓ માનતા કે ‘‘જયાં શબ્‍દો - સંવાદ પુરા થાય ત્‍યાંથી સંગીતનું કાર્ય ચાલુ થાય છે. '' જે લાગણી શબ્‍દો દ્વારા વ્‍યકત ન થઈ શકે તે સંગીત દ્વારા વ્‍યકત કરી શકાય છે. ગીત પ્રેક્ષકોના મનોરંજન માટે નથી બલ્‍કે કથાના પ્રવાહનો ભાગ છે. તેમની ફિલ્‍મોના ગીતો, ફિલ્‍મોની લોકપ્રિયતાને અતિક્રમીને વધુ લોકપ્રિય બન્‍યા હતા. ઉદાહરણ રૂપે ફિલ્‍મ ‘‘આવારા'' ની ડ્રીમ સીકવન્‍સ એ તો રાજનું જ પરિકલ્‍પન હતું. ‘‘તેરે બીના આગ યે ચાંદની'' તથા ‘‘ઘર આયા મેરા પરદેશી'' એ બંને જોડેજોડે ફિલ્‍મમાં આવે છે. આ ગીતના રેકોર્ડીંગના રીધમમાં રાજકપૂરને ઈચ્‍છિત અસર મળતી ન હતી. તેમણે રેકોર્ડીંગ અટકાવી દીધું. એક સમયે રાજ પુના ગયા હતા ત્‍યારે એક બજાણીયાને તેમણે ઢોલકી વગાડતા સાંભળ્‍યો હતો. તેની થાપ અને ખુલ્લા વાતાવરણમાં તેના વાદના આવર્તનોએ રાજને મોહી લીધા હતા. આ કલાકાર હતો લાલા ગંગાવણે... રાજે પૂનાથી તેમને રેકોર્ડીંગ માટે બોલાવ્‍યા. લાલા ગંગાવણે તો કુદરતના ખોળે વગાડનાર વાદક હતો તેને વળી રેકોર્ડીંગ રૂમની મર્યાદામાં શી રીતે ફાવે? છતા તેની મૌલિકતા ગુમાવે નહિં તેવી સગવડ કરીને ‘‘ઘર આયા મેરા પરદેશી'' નું રેકોર્ડીંગ કરવામાં આવ્‍યું.
            આ પ્રકારનું બીજુ ઉદાહરણ છે ‘‘પ્‍યાર હુવા ઈકરાર હુવા'' ના રેકોર્ડીંગ સમયનું. સંગીતકાર - વાદકોને ગીતનો ભાવ - માહોલ સમજાય તે માટે રેકોર્ડીંગ સ્‍ટુડિયો પર એક છત્રી મંગાવી રાજ - નરગીસે ગીતની પંકિત ઉપર અભિનય કરી બતાવ્‍યો. જેથી વાદકોને પણ ગીતના ભાવની અનુભૂતિ થઈ શકે. એ જ ગીતના મુખડાની બીજી પંકિત.. ‘‘કહેતા હે દિલ રસ્‍તા મુશ્‍કીલ'' માટે રીધમની લય વિલંબિત કરવામાં આવી હતી. તે સુચન જયકિશનનું હતું.
           પાર્શ્વ સંગીતને કથાના પ્રવાહને અવરોધ્‍યા વગર જ ભાવનાત્‍મક રીતે રાજકપૂર ખૂબ જ સુંદર રીતે મિકસિંગ કરતા હતા. ઉદાહરણ રૂપે સંગમના દોસ્‍ત દોસ્‍ત ના રહા જેવા ભાવવાહી ગીતની સાંગીતિક શરૂઆત તો થોડા સમય પૂર્વે જ થઈ જાય છે. પિયાનોના સૂરથી વાતાવરણ બંધાતુ જાય છે. કયારે પાર્શ્વસંગીતના પિયાનોના સૂર પૂરા થયા અને કયારે મૂળગીત સહજતાથી કથામાં વણાય ગયું તેની ભાવકોને ખબર જ પડતી નથી. એટલુ સુંદર સંધાન અને સહજતાથી ગીત, કથામાં વણાય જાય છે.
            ઉપરના ઉદાહરણોથી રાજની સંગીતની સુજ અને ફિલ્‍મ એડીટીંગની પોતાની ક્ષમતા પૂરવાર કરે છે. રાજ વિશે કહેવાય છે કે તે પોતે ફિલ્‍મના પરદા ઉપર દૃશ્‍યમાન હોય કે નહીં પણ તે દરેક ફ્રેમમાં હાજર જરૂર હોય છે. તેનો સ્‍પર્શ હોય છે.
            ગીતના રેકોર્ડીંગ સમયે તે અચુક હાજર રહેતા. જરૂર પડયે ગીતમાં કે ઈન્‍ટરલ્‍યુડ પીસમાં સુધારા વધારાના સુચન કરતા રહેતા. ‘‘બોબી'' ના ગીત ‘‘હમ તુમ એક કમરે મેં બંદ હો'' ના રેકોર્ડીંગ દરમ્‍યાન રાજે સાવ છેલ્લી ઘડીએ ગીતની કોઈ ખાસ જગ્‍યા પર લતા મંગેશકરનો આલાપ રાખવા સુચના કર્યુ અને તે પ્રમાણે ગીતમાં આલાપ રાખવામાં આવ્‍યો. આ ઘટના બતાવે છે કે ગીતના રેકોર્ડીંગ સમયે પણ રાજના માનસપટ્ટ ઉપર ગીતનું ચિત્રણ તેઓ નિહાળી શકતા હતા.
   લતા મંગેશકરે જણાવ્‍યુ હતું કે આર. કે. ની કોઈપણ ફિલ્‍મના સંગીતકારે માત્ર એસ. જે. ની ધૂનોને માત્ર રેકોર્ડ જ કરવાની રહેતી. અર્થાત રાજે શંકર જયકિશન પાસે જે ધૂનો બનાવડાવી, તે જ ધૂનો અન્‍ય સંગીતકારોએ શબ્‍દો ભરીને રેકોર્ડ કરવાની રહેતી હતી, જેમાં ચોક્કસ રાજની છાપ ચોક્કસ જોવા મળતી. આર. કે. ના બેનરમાં સંગીતકાર રવિન્‍દ્ર જૈન હોય કે લક્ષ્મી પ્‍યારે હોય પણ સંગીત તો આર. કે. નું રહેતું. અલબત પ્‍યારેલાલે જણાવ્‍યુ હતું કે ‘‘રાજ સાબે કયારેય કોઈ ચોક્કસ ધૂન લેવાનો આગ્રહ નથી રાખ્‍યો. બલ્‍કે તેઓ અમારી બનાવેલી ધૂનો સાંભળીને તેમાંથી પસંદ કરતા હતા. મોટેભાગે અમે બનાવેલી ધૂનોમાંથી જ પ્રથમ ધૂન જ તે પસંદ કરતા.'' આ વાત સાચી માની લઈએ તો પણ ગીતના ઓરકેસ્‍ટ્રશન - એરેન્‍જમેન્‍ટમાં પણ રાજનો સ્‍પર્શ અચૂક પ્રતિબિંબિત થાય છે.
            રાજકપૂર એક ફિલ્‍મનું નિર્માણ કરવાના હતા જેનું નામ ‘‘અજન્‍તા'' રાખ્‍યુ હતું. રાજકપૂરે હસરત જયપુરીને ‘‘સંગમ'' ના ‘‘ઈસ લીબેદીશ'' ગીતની તર્જ પરથી અજન્‍તા માટે ગીતના શબ્‍દો લખવા કહેલું. હસરતજીએ શબ્‍દો લખ્‍યા ‘‘સુન સાયબા સુન'' કોઈ કારણોસર અજન્‍તા બની નહીં. વર્ષો પછી ‘‘રામ તેરી ગંગા મૈલી'' માં સંગીતકાર રવિન્‍દ્ર જૈને ‘‘સુન સાયબા સુન'' ને સ્‍વરદેહ આપ્‍યો. જે પ્રમાણે શબ્‍દ - લય - તર્જનું સામ્‍ય ઈસ લીબેદીશ સાથે છે તે જોતા એ ગીતનો સ્‍વરદેહ તો વર્ષો પૂર્વે ઘડાઈ ચૂકયો હતો. જે રાજના સ્‍ટુડિયોમાં યોગ્‍ય તકની રાહ જોતો રહ્યો.
           સત્‍યમ્‌ શિવમ્‌ સુંદરમ્‌' ના ગીત યશોમતી મૈયા સે બોલે' ની તર્જ ૧૯૪૮માં બનેલી ફિલ્‍મ ગોપીનાથના ગીત ‘‘આઈ ગોરી રાધિકા'' ની સીધી જ કોઈ ફેરફાર કર્યા વગર જ લઈ લેવામાં આવી છે. ગોપીનાથના સંગીતકાર નીનુ મજમુદાર હતા જયારે એ ગીત નીનુભાઈ અને મીના કપૂરના યુગલ સ્‍વરોમાં હતું. પ્‍યારેલાલના કહેવા મુજબ એ તર્જ લેવાનું સુચન રાજ કપૂરનું હતું પણ તેમણે મૂળગીત સંભળાવ્‍યુ ન હતું.
   આર. કે. ના સમગ્ર યુનિટ ઉપર સીધો જ અંકુશ રાજકપૂરનો રહેતો. તેમના પરિકલ્‍પન અને સુચના મુજબ જ કામ થાય તેવું તે ઈચ્‍છતા. માત્ર સંગીત જ નહિં પરંતુ ફિલ્‍મની કથા - ગીતના શબ્‍દો વગેરે પણ પોતાની કલ્‍પના પ્રમાણે જ લખાવતા. રાજકપૂરનો ફિલ્‍મી ચહેરો તદ્દન ભોળા માણસનો હતો. એ ચહેરો તેમણે તેમની સમગ્ર કારકિર્દી દરમ્‍યાન પહેરી રાખ્‍યો. (આર. કે. બેનર સિવાયની ફિલ્‍મોમાં પણ સ્‍વભાવગત મુખ્‍ય પાત્ર ભોળો માણસ જ રહેતો) જેથી રાજની ફિલ્‍મોના ગીતો પણ તેના ભોળા ચહેરા અને વ્‍યકિતત્‍વને અનુકૂળ આવે તે રીતે લખાવતા હતા. પોતાના ઉપર ફિલ્‍માંકન થવાનું હોય તેવા ગીતના સરળ અને ભાવુક શબ્‍દો શૈલેન્‍દ્ર' લખે તેવી મહદઅંશે તેમની ઈચ્‍છા રહેતી. ઉદાહરણરૂપે ‘‘મેરા નામ રાજુ ઘરાના અનામ'' - ‘‘રમૈયા વસતા વૈયા'' - ‘‘સબકુછ સીયા હમને'' - ‘‘કિસીકી મુસ્‍કુરાહટો પે હો નિસાર'' - ‘‘મેરે મન કી ગંગા'' - ‘‘હર દિલ જો પ્‍યાર કરેગા'' - ‘‘જીના યહા મરના યહાં'' જેવા ગીતો રાજનો ભોળો નિદોર્ષ ચહેરો રજૂ કરે છે. મુકેશના દર્દીલા કંઠે પાત્રને વધુ ભાવુક બનાવ્‍યુ હતું.
           રાજકપૂર, શંકર જયકિશન પાસેથી પોતાની પસંદગી મુજબનું સંગીત લઈ શકયા. તેમાં અલબત સંગીતકારની કોઈ પણ જાતની આલોચના વગર કહી શકાય કે શંકર જયકિશને યુગસર્જક મધુર સંગીત આપ્‍યુ છે. તો બીજા પક્ષે રાજે પણ પોતાની ઈન્‍સપિરેશન અને ક્રિએટીવ એનર્જી ગીત સર્જનમાં સમર્પી દીધી હતી.
            મ્‍યુઝીક મેનેજર સેવેસ્‍ટીયને કહ્યા મુજબ મેરા નામ જોકર' નું સમગ્ર પાર્શ્વ સંગીત રાજ - જયકિશન - દતારામ અને સેવેસ્‍ટીયને માત્ર પાંચ જ દિવસમાં રચ્‍યુ હતું. નોટેશન તૈયાર કર્યા હતા. રાજના જણાવ્‍યા પ્રમાણે ‘‘મેરા નામ જોકર'' નું સંગીત શંકર - જયકિશનની કારકિર્દીનું શ્રેષ્‍ઠ સંગીત છે. '' તેના પાર્શ્વ સંગીતની લોંગપ્‍લે રેકોર્ડંઝ પણ પ્રસિદ્ધ થઈ હતી.
          રાજ જાણતા હતા કે થિયેટરના અંધકારમાં બેઠેલો પ્રેક્ષક કથાના માધ્‍યમ દ્વારા પાત્રો સાથે ભાવનાત્‍મક રીતે અનુસંધાન પામે છે. સંવેદનાપૂર્ણ તાદાત્‍મ્‍ય સાધે છે. જયારે સંવાદ હોતા નથી ત્‍યારે સંગીત જ ભાવનાનું વહન કરી ભાવકના હૃદય સુધી પહોંચે છે અને તેની સંવેદનાને ખળભળાવે છે. માટે જ અભિનેતા જેટલુ જ સંગીત પણ મહત્‍વનું છે.
   કાળક્રમે શંકર જયકિશનની જોડી તૂટી. શૈલેન્‍દ્ર અને જયકિશન જેવા સ્‍તંભ તૂટી પડયા. સંગીતનો પાયો જ જાણે હચમચી ગયો. એકલા શંકરના સંગીતે ચમત્‍કૃતિ ગુમાવી દીધી. બીજી તરફ મોડર્ન વાજીંત્રો અને વેસ્‍ટર્ન સંગીતના પ્રભાવ હેઠળ શંકરજી રાખતા તેવી મોટી ઓરકેસ્‍ટ્રાની માંગ ઘટી. નિર્માતાઓ સંગીત માટે મોટા બજેટ ફાળવતા બંધ થયા. કારણો અનેક છે પણ શંકરના સંગીતે હવે ચાર્મ ગુમાવતા તે આર. કે. કેમ્‍પની બહાર નિકળ્‍યા.
            રાજે પોતાની નવી ફિલ્‍મ ‘‘બોબી'' માટે લક્ષ્મીકાંત પ્‍યારેલાલને નિમંત્રણ આપ્‍યું. એક સમયના પોતાના આદર્શ એવા શંકર જયકિશનનું સ્‍થાન તેઓ કઈ રીતે લઈ શકે? આવી લાગણી સાથે તેમણે રાજ કપૂરને ના કહી દેવાની તૈયારી બતાવી. ત્‍યાં જ કોઈ સ્‍નેહીએ કહ્યું કે જો તમે ના કહેશો તો રાજજી કોઈ બીજા સંગીતકારને લઈ લેશે માટે તમે હા કહી દો. આ રીતે લક્ષ્મીકાંત પ્‍યારેલાલનો આર. કે. કેમ્‍પમાં પ્રવેશ થયો. આ તો વકતનો તકાજો હતો. પરિવર્તનનો પવન હતો. ‘‘વકત કહાં રૂકતા હૈ, તો ફીર તુમ કૈસે રૂક જાતે.'' શૈલેન્‍દ્રને શબ્‍દો સાચા પડતા લાગ્‍યા.
            લક્ષ્મી પ્‍યારેના ગીત - સંગીતમાં શંકર જય કિશનના (રાજની છાપવાળા) સંગીતની અસર આવવા લાગી. એરેન્‍જમેન્‍ટની સ્‍પષ્‍ટ અસર દેખાવા લાગી. દા. ત. ‘‘મૈં શાયર તો નહીં'' તથા ‘‘જાુઠ બોલે કૌવા કાટે'' ને ગણાવી શકાય. સત્‍યમમાં પણ જૂના આવર્તનો નવા સ્‍વરૂપે સ્‍પંદિત થયા. જો કે રાજે હવે નવા ગીતકારો નવા સંગીતકારો, નવા ગાયકો અને નવા વાદકો સાથે કામ પાર પાડવાનું હતું. થોડું તો રાજે પણ બદલવું પડે તેમ હતું. લક્ષ્મીકાંત પ્‍યારેલાલના સંગીતવાળી ફિલ્‍મો કમર્શિયલ ઘણી સફળ રહી, ગીતો લોકપ્રિય પણ બન્‍યા. પણ રાજના મનમાં કોણ ઝાંકી શકે કે આ સંગીત તેના પરિકલ્‍પન મુજબનું હતું કે નહીં?
           ચોક્કસાઈના આગ્રહી રાજને લક્ષ્મીકાંત - પ્‍યારેલાલ સાથે કોઈ ચોક્કસ ગીતની રેકોર્ડીંગની ગુણવતા માટે મતભેદ થયા અને પરિણામે આર. કે. બેનરમાં નવા સંગીતકારનો પ્રવેશ થયો... રવિન્‍દ્ર જૈન. રવિન્‍દ્ર જૈનની ભરપૂર મૌલિકતા છતાં ‘‘રામ તેરી ગંગા મૈલી'' નું સંગીત પોકારી પોકારીને તેના જન્‍મની કહાણી કહી જાય છે. રાજનો સ્‍પર્શ દેખાય છે. તેના ગીતો જો કે કર્ણપ્રિય અને નવી તાજગીવાળા હતા છતાં આર. કે. ના ગીતોની અપેક્ષાએ ઉણા ઉતર્યા.
          રાજની અભિનેતા તરીકેની છેલ્લી ફિલ્‍મ ‘‘વકીલ બાબુ'' (૧૯૮૨) હતી. છેલ્લા દિવસોમાં રાજ અસ્‍થમાથી પીડાતા હતા. ૧૯૮૮ના વર્ષમાં તત્‍કાલીન રાષ્‍ટ્રપતિ વેંકટરામનના હસ્‍તે રાજને તેમના સર્વોચ્‍ચ ફિલ્‍મ પ્રદાન માટે ‘‘દાદા સાહેબ ફાળકે'' એવોર્ડ એનાયત થયો. એવોર્ડ સમારંભ વખતે જ રાજની તબિયત વધુ લથડી હતી. રાષ્‍ટ્રપતિ ખુદ બધા જ પ્રોટોકોલ તોડીને રાજકપૂર જયાં બેઠા હતા ત્‍યાં પગથિયા ઉતરીને આવ્‍યા. રાજને એવોર્ડ એનાયત કર્યો. તબિયત વધુ લથડતા સમારંભ સ્‍થાનેથી સીધા જ તેમને હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા. તા. ૨ જૂન ૧૯૮૮ના દિવસે ફિલ્‍માકાશમાં ચમકતો સિતારો ખરી પડયો. અનેક ફિલ્‍મો અને સંવેદનશીલ સંગીતની ભેટ આપનારો કલાકાર અનંતની યાત્રાએ નીકળી પડયો. ફિલ્‍મો તથા સંગીત જેમ પુરાણા થતા જાય છે તેમ તેનું ઐતિહાસિક અને સંવેદન મુલ્‍ય વધતુ જાય છે. આજની યુવા પેઢી રાજકપૂરની ફિલ્‍મો મનોરંજન માટે નહિં બલ્‍કે તેના શ્રેષ્‍ઠ સંગીત - બેમિસાલ દિગ્‍દર્શન માટે નિહાળશે. ફિલ્‍મોનો આ વારસો જળવાશે તો જ રાજ કપૂરને યોગ્‍ય અંજલી આપી ગણાશે.

સંકલન : ઉમેશદાસ ગોંડલીયા - પાલીતાણા

 ( સંશોધન - આલેખન
   જયંત કે. જોષી)