વિકિયા વાવ - બરડા ડુંગર

 વિકિયા વાવ









વિકિયા વાવ – ધૂમલી
સ્થાનઃ પોરબંદરથી ભાણવડ જવાના રસ્તા ઉપર ઢેબર ગામ પાસે ધૂમલી ગામની સીમમાં બરડાના ડુંગરની તળેટીમાં આ વાવ આવેલી છે, જે વિકિયાની વાવ તરીકે જાણીતી છે. કાઠિયાવાડના જામનગર જિલ્લામાં રહેલી આ વાવ તેના બાંધકામની દષ્ટિએ વિશેષ મહત્ત્વ ધરાવે છે.
ઐતિહાસિક પાર્શ્વભૂમિકાઃ સૌરાષ્ટ્ર વિસ્તારના જેઠવા વંશ સૌથી જૂનો રાજવંશ ગણાય છે. જેઠવાઓનું બરડા વિસ્તારમાં આધિપત્ય રહ્યું હતું. જેઠવાઓ સૌરાષ્ટ્રમાં ક્યારે આવ્યા અને જેઠવા તરીકે કઈ રીતે ઓળખાયા એ વિશે નિશ્ચિતપણે કહી શકાતું નથી. તેઓ જ્યાં રાજ્ય કરતા હતા તે દેશ દસમી સદીની મધ્યમાં જ્યેષ્ઠુકદેશ તરીકે ઓળખાતો હતો. કેટલાક ઇતિહાસકાર તેમને જાટ તરીકે ઓળખે છે, જ્યારે ઘણા તેમને હૂણ લોકોની ‘યેથા’ શાખામાંથી ઊતરી આવેલા માને છે. ડો. અલ્તેકર નામના ઇતિહાસકાર એમને સૈન્ધવો (સિંધ દેશ)ના વંશજો ગમીને સૈન્ધવોના પૂર્વજ જયથમ (મહાભારત) ઉપરથી જેઠવા તરીકે ઓળખાયા હોવાનું માને છે. શરૂઆતમાં જેઠવાઓ શ્રીનગર (પોરબંદર પાસે)માં રહીને રાજ્ય કરતા હતા જે અત્યારે દરિયાકિનારે આવેલું નાનું ગામ છે. નવમી સદીના અંતમાં એમણે એમની રાજધાની શ્રીનગરથી ધૂમલીમાં ફેરવી. ઈ. સ. 1392 સુધી એટલે કે લગભગ 500 વર્ષ સુધી, એ રાજધાની ધૂમલીમાં રહી. જોકે પછી તો રાજધાની રાણપુર, છાયો, પોરબંદર એમ ફેરવવામાં આવી.
નાગજી નામના રાજાએ એના પુત્ર વિકિયાજીને ધૂમલીનું રાજ્ય સોંપી પોતે બીજા પુત્ર નાગાર્જુન સાથે ઢાંકમાં જઈને રહ્યા. ઈ. સ. 1392 સુધી ધૂમલી રાજધાની રહી હતી.
         આ વિકિયા રાજાના નામ ઉપરથી ધૂમલી ગામની આ વાવનું નામ વિકિયા વાવ આપવામાં આવ્યું છે.
સ્થાપત્યઃ બરડા ડુંગરની તળેટીમાં ખુલ્લા મેદાનમાં રહેલી આ વાવ દૂરથી જોતાં કોઈ ભારેખમ વિશાળકાય બાંધકામ હોવાનું જણાવે છે, કારણ કે બહાર દેખાતું બાંધકામ ટૂંકા, પરંતુ પ્રમાણમાં ઘણા પહોળા થાંભલા ધરાવે છે. આ થાંભલાઓ વાવમાં બાંધેલા મંડપનો બહાર દેખાતો જમીન ઉપરનો ભાગ છે. વળી ઘણી જગ્યાએ થાંભલા ઉપરનું બાંધકામ પડી ગયેલું હોવાથી એકલા થાંભલા ઘણા ભારે દેખાય છે.
વાવના વિવિધ પ્રકારોમાં, આ વાવ નંદા પ્રકારની વાવમાં ગણાય છે, જેમાં વાવને ફક્ત એક જ પ્રવેશ તેમ જ સળંગ પગથિયાંઓમાં ત્રણ ફૂટ (મંડપ) ધરાવે છે. પ્રવેશથી કૂવા સુધીનાં પગથિયાંમાં વચ્ચે ત્રણ ફૂટ (મંડપ કે પહોળો ચોક) આવે છે, જે થાંભલાઓના ટેકાથી બંધાયેલો હોય છે અને આ થાંભલા પેવેલિયન કે મંડપના ટાવર તરીકે જમીનની બહાર સુધી આવતા હોય છે. અલગ અલગ ફૂટના થાંભલાઓ વચ્ચે કોઈ ફ્રેમવર્ક નથી. પ્રવેશથી કૂવાના સામા છેડા સુધીની નિસરણીની કુલ લંબાઈ 66 મીટર છે. પગથિયાની પહોળાઈ 4.5 મીટરની છે. આ વાવ પૂર્વ-પશ્ચિમ દિશામાં ખોદાયેલી છે, જેમાં પ્રવેશ પૂર્વમાં છે, જ્યારે કૂવો પશ્ચિમ દિશામાં છે.
વાવના પ્રવેશ ઉપરનો મંડપ તેમ જ સળંગ પગથિયાંના ત્રણ મંડપ ઉપર ટાવર જમીનની બહાર સુધી બાંધવામાં આવેલાં છે. કોઈ પેરામીટર બાંધકામ કૂવા આસપાસ કે પગથયિાંની બોર્ડર આસપાસ બાંધવામાં આવેલું નથી.
વાવના પ્રવેશથી નીચે ઊતરતાં પગથિયાંમાં આવતાં પહેલાં ફૂટ કે મંડપ વચ્ચે 16.2 મીટરનું અંતર છે. પહેલા ફૂટ અને બીજા ફૂટ વચ્ચે 14 મીટરનું, જ્યારે બીજા અને ત્રીજા ફૂટ વચ્ચે 13 મીટરનું અંતર છે. ટાવર અને પગથિયાંની બાજુની દીવાલો મોટા પથ્થરોથી ચણવામાં આવેલી છે.
ત્રણ મંડપ ટાવરમાંનું છેલ્લો ત્રીજો ટાવર જમીનથી પાંચ માળ નીચે સુધી બાંધવામાં આવેલો છે. પહેલો ટાવર જમીનથી બે માળ નીચે સુધી બંધાયેલો છે. દરેક ફૂટ 2.78 મીટર પહોળો એક ચોક ધરાવે છે. ટાવરમાં નીચે ઊતરવા સામસામે નાની નિસરણી બનાવવામાં આવેલી છે.
થાંભલાઓના નીચેના પહોળા ભાગમાં વિવિધ કોતરણીઓ જોવા મળે છે. બ્રેકેટ્સમાં પણ કોતરણી જોઈ શકાય છે. વિવિધ પ્રાણીઓ હરણ, ડુક્કર, હાથી જેવા કોતરવામાં આવેલાં છે.
ધૂમલીમાં આવેલા નવલખા મંદિરના જેવી જ કોતરણીઓ આ વાવમાં જોવા મળે છે, જે વાવનું બાંધકામ 11મી સદીના અંતમાં કે 12મી સદીની શરૂઆતનું સૂચન કરે છે.
(https://gujarattimesusa.com માંથી)

સંદર્ભ:-

1. gujarattimesusa.com

2. BRITISH LIBRARY ONLINE GALLERY,