કાલથી વિવિધ સરકારી સેવા એક જ પોર્ટલ દ્વારા ઓનલાઇન આવક, જ્ઞાતિ, વારસાઇ વગેરેના પ્રમાણપત્રો ઘરે બેઠા મેળવી શકાશે :

કાલથી વિવિધ સરકારી સેવા એક જ પોર્ટલ દ્વારા ઓનલાઇન
આવક, જ્ઞાતિ, વારસાઇ વગેરેના પ્રમાણપત્રો ઘરે બેઠા મેળવી શકાશે : રેશનકાર્ડ અંગેની અરજી પણ આવકાર્ય : ટ્રાન્‍ઝકશન ચાર્જ સરકાર ભોગવશે : ગોવિંદભાઇ પટેલની જાહેરાત
- ભદ્રસિંહ રાઠોડ
રાજ્‍ય સરકાર દ્વારા આપણો તાલુકો - વાયબ્રન્‍ટ તાલુકો અને ઇ-ગ્રામ વિશ્વ ગ્રામ સેન્‍ટરો દ્વારા રાજ્‍યની પ્રજાને સેવાઓ પુરી પાડવાની કામગીરી કરવામાં આવે છે. રાજ્‍યની પ્રજાને આજના આધુનિક યુગમાં ઓનલાઇન સેવાઓ પુરી પાડવા માટે રાજ્‍ય સરકાર કટીબધ્‍ધ છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇના ડિજીટલ ઇન્‍ડિયાના સ્‍વપ્‍નને સાકાર કરવાની દિશામાં મુખ્‍યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલની ગતિશીલ સરકાર ડિજીટલ ગુજરાત અંતર્ગત રાજ્‍યના નાગરિકોને એક જ પોર્ટલની સુવિધા અર્પણ કરે છે. તેમ સાયન્‍સ ટેકનોલોજી રાજ્‍યમંત્રી ગોવિંદભાઇ પટેલે વિધાનસભામાં જણાવ્‍યું હતું.
   રાજ્‍ય સરકાર, રાજ્‍યના નાગરિકોને જુદા જુદા વિભાગોની સેવાઓ એક પોર્ટલના માધ્‍યમથી ઓનલાઇન ઉપલબ્‍ધ થાય તે માટે digitalgujrat.gov.in નામના પોર્ટલના માધ્‍યમથી જુદા જુદા વિભાગોની સેવાઓ, જનસેવા કેન્‍દ્રો તથા આપણો તાલુકો વાયબ્રન્‍ટ તાલુકો દ્વારા પુરી પાડવામાં આવતી સેવાઓ તબક્કાવાર રાજ્‍યના નાગરિકોને ઘેરબેઠા ઉપલબ્‍ધ કરાવવામાં આવશે.
   પોર્ટલમાં પેમેન્‍ટ ગેટવેની સુવિધા રાખવામાં આવેલ છે, જે દ્વારા અરજદાર સેવા માટે નિયત ફી ભરી શકશે. આ સેવાઓ ઓનલાઇન મેળવવા માટે સામાન્‍યતઃ ઓનલાઇન ચૂકવણી માટે ટ્રાન્‍ઝકશન ચાર્જ જે તે બેંક દ્વારા વસૂલ કરવામાં આવતો હોય છે. રાજ્‍યના નાગરિકોને આ ટ્રાન્‍ઝકશન ચાર્જ ચૂકવવો ન પડે તેવી વ્‍યવસ્‍થા પણ કરવામાં આવેલ છે. આ ટ્રાન્‍ઝકશન ચાર્જ રાજ્‍ય સરકાર ભોગવશે.
   અરજદારો પોતાના અસલ પ્રમાણપત્રો એક વખત જે તે એટીવીટી સેન્‍ટરો - જનસેવા કેન્‍દ્રો ઉપર ચકાસણી કરાવી ડિજીટલ વોલ્‍ટનો પણ ઉપયોગ કરી શકશે. ત્‍યારબાદ ડિજીટલ વોલ્‍ટ મારફતે સિસ્‍ટમ દ્વારા અરજદારને કોઇ પણ સેવા મેળવવા માટે અસલ પ્રમાણપત્રોની ચકાસણી વારંવાર કરાવવી નહિ પડે.
   કાલે તા. ૧ એપ્રિલ ૨૦૧૬ની સામાજીક ન્‍યાય અને અધિકારીતા વિભાગ, અન્‍ય અને નાગરિક પુરવઠા વિભાગ, મહેસૂલ વિભાગ, નાણા વિભાગ, મહિલા અને બાળ કલ્‍યાણ વિભાગ અને ગૃહ વિભાગની વિવિધ સેવાઓ તુરંત જ ઓનલાઇન ઉપલબ્‍ધ થશે. તેમ મંત્રી ગોવિંદભાઇ પટેલે ગૃહમાં જણાવ્‍યું હતું.
   નાના ખેડૂતનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, એસઇબીસી પ્રમાણપત્ર, એસસી/એસટી જાતિ પ્રમાણપત્ર, વારસાઇ સર્ટિફિકેટ, ડોમિસાઇલ પ્રમાણપત્ર, વરિષ્‍ઠ નાગરિક પ્રમાણપત્ર, ચારિત્ર્ય પ્રમાણપત્ર, ધાર્મિક લઘુમતી પ્રમાણપત્ર, વિધવા પ્રમાણપત્ર, આર્થિક રીતે પછાતનું પ્રમાણપત્ર, હોટલ લાયસન્‍સ રીન્‍યુઅલ, પાક સંરક્ષણ આર્મ લાયસન્‍સ રીન્‍યુઅલ, નોન ક્રિમી લેયર પ્રમાણપત્ર (કેન્‍દ્ર સરકારની સેવાઓ માટે), નોન ક્રિમી લેયર પ્રમાણપત્ર (રાજ્‍ય સરકારની સેવા માટે), રેશનકાર્ડમાં નામ દાખલ (ફોર્મ-૩), નવા રેશન કાર્ડ માટેની અરજી(ફોર્મ-૨), રેશન કાર્ડમાંથી નામ કમી (ફોર્મ-૪), રહેઠાણ ફેરબદલીની અરજી (ફોર્મઅ૬), જુદુ રેશન કાર્ડ બનાવવાની અરજી (ફોર્મ-૫), ડુપ્‍લીકેટ રેશન કાર્ડ અંગેની અરજી (ફોર્મ-૯) વિગેરે સેવા ઓનલાઇન મેળવી શકાશે. રાજ્‍યના નાગરિકો હાલની વ્‍યવસ્‍થા મુજબ એટીવીટી સેન્‍ટરો જનસેવા કેન્‍દ્રો અને ઇ-ગ્રામ વિશ્વગ્રામ સેન્‍ટરો મારફતે જે સેવાઓ મેળવે છે તે ઉપરાંત પ્રથમ તબક્કે જુદી જુદી ૨૮ સેવાઓનો લાભ ઘેરબેઠા ઓનલાઇન મેળવી શકશે. અને જરૂરી પ્રમાણપત્ર કે જવાબ જે તે સેન્‍ટર ઉપરથી રૂબરૂ, ટપાલ મારફતે અથવા ઓનલાઇન મેળવવાની જોગવાઇ કરવામાં આવેલ છે.
   રાજ્‍યના નાગરિકોને ઓનલાઇન અરજી કરવા માટે જરૂરી માર્ગદર્શન અથવા ફરીયાદ નિવારણ માટે ૨૪×૭ હેલ્‍પલાઇનની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવેલ છે.