કેન્‍દ્રીય કર્મચારીઓને હોળીની ગીફટ : DAમાં ૬%નો વધારો

કેન્‍દ્રીય કર્મચારીઓને હોળીની ગીફટ : DAમાં ૬%નો વધારો

        કેન્‍દ્રીય કેબીનેટે લીધો નિર્ણય : મોંઘવારી ભથ્‍થુ ૧૧૯ ટકાથી વધીને ૧૨૫ ટકા થયું : જાન્‍યુઆરી-૨૦૧૬થી લાગુઃ ૫૦ લાખ કેન્‍દ્રીય કર્મચારીઓ અને ૩૦ લાખ પેન્‍શનરોને કાળઝાળ મોંઘવારીમાં રાહત : ત્રણ મહિનાનું એરીયર્સ મળશે : તિજોરી ઉપર ૮ હજાર કરોડનો બોજો.
 
      મોદી સરકારે કેન્‍દ્રીય કર્મચારીઓને હોળીની મોટી ગીફટ આપી છે. કેન્‍દ્રીય કેબીનેટે આજે કેન્‍દ્રીય કર્મચારીઓ - પેન્‍શનરોને મળતા મોંઘવારી ભથ્‍થામાં ૬ ટકા વધારાને મંજૂરી આપી છે. હવે કેન્‍દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્‍થુ ૧૧૯ ટકા થી વધીને ૧૨૫ ટકા થઇ ગયું છે. વધેલું મોંઘવારી ભથ્‍થુ ૧લી જાન્‍યુઆરી ૨૦૧૬થી લાગુ થશે.

      આજે વડાપ્રધાન મોદીના નેતૃત્‍વમાં મળેલી કેન્‍દ્રીય કેબિનેટની બેઠકમાં ૬ ટકા મોંઘવારી ભથ્‍થુ વધારવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો. કેન્‍દ્ર સરકાર અંતર્ગત કામ કરતા ૫૦ લાખ કર્મચારીઓ અને ૩૦ લાખ પેન્‍શનરોને આ વધેલા મોંઘવારી ભથ્‍થાનો લાભ મળશે. તેઓને ત્રણ મહિનાનું એરીયર્સ પણ મળશે.
આ પહેલા સપ્‍ટેમ્‍બર ૨૦૧૫માં કેન્‍દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્‍થુ ૧૧૩ ટકાથી વધારીને ૧૧૯ ટકા કરવામાં આવ્‍યું હતું જે જુલાઇ ૨૦૧૫થી લાગુ થયું હતું.


       કેન્‍દ્રીય કર્મચારીઓ અને પેન્‍શનરોને આ લાભ આપવા માટે સરકારની તિજોરી ઉપર ૮ હજાર કરોડ રૂપિયાનો બોજો પડશે. અત્રે એ પણ નોંધનીય છે કે, સરકારે કેન્‍દ્રના કર્મચારીઓને ટુંક સમયની અંદર સાતમાં વેતનપંચનો લાભ પણ આપવાનો છે.
કેન્‍દ્રીય કેબિનેટના નિર્ણય બાદ વિવિધ રાજય સરકારો પણ પોતાના કર્મચારીઓને મોંઘવારી ભથ્‍થામાં વધારાનો લાભ આપશે