કુરાન અને ભગવદ્ ગીતા બંને મને પસંદ છે : મરિયમ (કભી કભી) ….

કુરાન અને ભગવદ્ ગીતા બંને મને પસંદ છે : મરિયમ (કભી કભી) ….



mariyam geeta
મરિયમ આસિફ સિદ્દકી.
તે એક મુસ્લિમ બાળા છે.
મુસ્લિમ પરિવારમાં જન્મી છે. તેને બચપણથી જ પ્રેમ અને શાંતિના પાઠ ભણાવવામાં આવ્યા હતા. તેના પિતા પત્રકાર હોઈ તેમને પુત્રીને શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં કોઈ કસર બાકી રાખી નહોતી, નાનકડી મરિયમને પણ ભણવાનો, વાંચવાનો જબરદસ્ત શોખ હતો. તેના હાથમાં જે પુસ્તકો આવે તે વાંચી નાંખતી. સ્કૂલના પાઠયપુસ્તકો ઉપરાંત ઘરમાં આવતાં સામયિકો અને સાહિત્ય પુસ્તકો પણ વાંચતી.
મરિયમે પાંચ વર્ષની વયે જ મમ્મી-પપ્પાની સાથે દિવ્ય કુરાન વાંચવા માંડયું. શરૂ શરૂમાં કેટલુંક સમજમાં ના પણ આવતું. એને ના સમજાય ત્યારે તો તેનો અર્થ પપ્પાને પૂછી લેતી. મરિયમ સ્કૂલમાં તેના ક્લાસમાં હંમેશાં પ્રથમ નંબરે રહેતી, પરંતુ કેટલાક દિવસો બાદ એવી કેટલીક બાબતો ધ્યાનમાં આવતા તેના પિતા ચિંતિત થઈ ગયા. એ વખતે તે નવ વર્ષની હતી. એક દિવસે મરિયમે તેના પિતાને પૂછયું : ”પપ્પા, મારા ક્લાસમાં મોટા ભાગે હિંદુ છોકરાઓ જ કેમ છે?”
મરિયમના આ પ્રશ્નથી તેના પિતા વિચારમાં પડી ગયા. તેમણે વિચાર્યું કે, મરિયમ હજુ નાની છે અને ધર્મની બાબતમાં તેના મનમાં કોઈ સંશય હોવો ના જોઈએ. એ જ દિવસે તેમણે પોતાની દીકરીને બીજા ધર્મોની બાબતમાં પણ શિક્ષણ આપવાનું વિચાર્યું.
મરિયમ આમ તો રોજ કુરાન પઢતી હતી પરંતુ તેના પપ્પાએ બીજા ધાર્મિક ગ્રંથો જેવા કે બાઈબલ, ગીતા અને ગુરુ ગ્રંથ સાહેબ પણ લાવીને તેને આપ્યા. તેઓ ચાહતા હતા કે બાળકી બીજા ધર્મોનું પણ જ્ઞાાન લે, જેથી તે મોટી થાય ત્યારે સમાજના અન્ય લોકો સાથે હળવા-મળવામાં કોઈ મુશ્કેલી ના આવે. એ પછી મરિયમ હવે ગીતા વાંચવા લાગી.
શ્રીમદ ભગવદ્ ગીતાના કેટલાક શ્લોક સમજવામાં તેને મુશ્કેલી પડવા લાગી તો તેણે ગીતાના અંગ્રેજી અનુવાદનો સહારો લીધો. ગીતાના સંદેશથી તે પ્રભાવિત થઈ. ગીતા ઉપરાંત તે બાઈબલ પણ વાંચવા લાગી. કુર્આન ઉપરાંત તે ગીતા તથા બાઈબલ પણ વાંચતી હોઈ સ્કૂલમાં તથા મહોલ્લામાં તેની ચર્ચા થવા લાગી. બધાંને આશ્ચર્ય એ વાતનું હતું કે, સ્કૂલના અભ્યાસ ઉપરાંત મરિયમને ધાર્મિક ગ્રંથો વાંચવાનો સમય કેવી રીતે મળે છે?
મરિયમ કહે છે : ‘કેટલાક ધાર્મિક ગ્રંથો વાંચ્યા બાદ માલૂમ પડે છે કે, દરેક ધર્મ, પ્રેમ અને અહિંસાની શીખ જ આપે છે. માનવતાથી વધુ મોટો કોઈ ધર્મ નથી. એક પણ ધર્મ બીજાઓ પ્રત્યે નફરત કરવાની રજા આપતો નથી. અગર લોકો પોતે ધર્મના છે તે ધર્મના ગ્રંથ ઉપરાંત બીજા ધર્મોના ગ્રંથોનો અભ્યાસ કરે તો દુનિયામાં ધાર્મિક નફરતનું નામોનિશાન નહીં રહે?’
માત્ર ૧૨ વર્ષની વયની મરિયમ મુંબઈની કોસ્મોપોલિટન સ્કૂલના છઠ્ઠા ધોરણમાં ભણે છે. તેને ઉર્દૂ, હિંદી, અંગ્રેજી અને સંસ્કૃતમાં સારી સમજ છે. તે જેટલી શ્રદ્ધાથી કુર્આનની આયાતો પઢે છે એટલી જ સહજતાથી ગીતાના શ્લોક પણ બોલી શકે છે. થોડા સમય પહેલાં તેની સ્કૂલમાં એક ઘોષણા કરવામાં આવી કે ભગવદ્ ગીતા ચેમ્પિયનશીપ માટે એક સ્પર્ધા યોજાશે. તેમાં ભાગ લેવો ફરજિયાત નથી પરંતુ જેની ઈચ્છા હોય તે નામ નોંધાવી શકે છે. મરિયમને આ સ્પર્ધાની ખબર પડતાં જ તે ખુશ થઈ ગઈ. ગીતા તેની પસંદગીનું ધાર્મિક પુસ્તક હતું.
ઘેર આવીને તેણે તેના પપ્પાને કહ્યું: ‘ પાપા, હું શ્રીમદ્ ભગવદ્ ગીતા ચેમ્પિયનશીપની સ્પર્ધામાં ભાગ લેવા માંગું છું ?
તેના પપ્પાએ કહ્યું : ‘બેટા, તને લાગતું હોય કે તું ગીતા સમજે છે તો તું અવશ્ય તે સ્પર્ધામાં ભાગ લે.’
આ સ્પર્ધા ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિશ્ના કોન્સિયસનેસ (ઈસ્કોન) દ્વારા આયોજિત હતી. તેમાં છઠ્ઠા ધોરણથી દસમા સુધીનાં પાંચ હજાર બાળકોએ ભાગ લીધો. તૈયારી માટે સંસ્થા તરફથી બાળકોને ‘ગીતા’ સંબંધી પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા. મરિયમે એ તમામ પુસ્તકોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો. સ્પર્ધા મુશ્કેલ હતી. શ્રીમદ્ ભગવદ્ ગીતા આમેય એક ગહન ગ્રંથ છે. મરિયમ કહે છેઃ ‘આ સ્પર્ધા માટે મને મારા ટીચરે બહુ જ મદદ કરી. મેં સંસ્કૃતના શ્લોકો યાદ કર્યા. મારા ટીચરે અઘરા શ્લોકોનો અર્થ સરળ શબ્દોમાં સમજાવ્યો. મને લાગ્યું કે મહાભારતના યુદ્ધ વખતે ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે જે સંવાદ થયો હતો તેમાં જીવનનો સાર છુપાયેલો છે.’
કલાસ ટીચર સપના બ્રહ્માંડકર કહે છેઃ ‘મરિયમ ભણવામાં ખૂબ હોશિયાર છે જ્યારે ગીતા ચેમ્પિયનશીપની સ્પર્ધા આવી ત્યારે તેણે ખૂબ પરિશ્રમપૂર્વક અભ્યાસ કર્યો. તે અત્યંત શિસ્તબદ્ધ બાળકી છે અને તેની પર નાજ છે.’
મરિયમે ગીતા ચેમ્પિયનશીપમાં ઉત્સાહભેર ભાગ લીધો અને પરિણામ આવ્યું ત્યારે બધા જ આશ્ચર્યચક્તિ થઈ ગયા. મરિયમ તમામ બાળકોમાં પ્રથમ નંબરે આવી. તેને ૧૦૦માંથી ૧૦૦ માર્કસ મળ્યા. મરિયમના ચહેરા પર ખુશી હતી. તે કહે છેઃ ‘મેં ગીતાનું અધ્યયન એટલા માટે નહોતું કર્યું કે હું ચેમ્પિયનશીપ જીતું. પણ મેં ગીતા એટલા માટે વાંચી કે હું તેને સમજી શકું અને તેના સંદેશને જીવનમાં ઉતારી શકું.’
એ પછી મરિયમ આસિફ સિદ્દકી આખા દેશમાં ‘ગીતા ચેમ્પિયન’ના નામે મશહૂર થઈ ગઈ. મહારાષ્ટ્રની વિધાનસભામાં તેને સન્માનિત કરવામાં આવી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મરિયમને પોતાના કાર્યાલયમાં બોલાવી તેનું સન્માન કર્યું.
મરિયમ કહે છે : ‘હું જે કાંઈ કરી શકી છું તે મારા મમ્મી-પપ્પાના કારણે કરી શકી છું. અમે ઘરમાં ચાર ભાઈ-બહેન છીએ. અમને બધાંને એ જ શીખવવામાં આવ્યું છે કે, આપણે બધાએ બીજા ધર્મોનું પણ સન્માન કરવું જોઈએ.’
મરિયમને શેર-શાયરીનો પણ શોખ છે. એક મશહૂર શાયરની પંક્તિઓ સંભળાવતા તે કહે છેઃ ‘મેં અમન પસંદ હૂં મેરે શહેર મેં દંગા રહેને દો, મત બાંટો મુઝે લાલ ઔર હરે રંગ મેં, મેરી છત પે ત્રિરંગા રહેને દો.’
મરિયમની મા ફરહાના કહે છે : મારી દીકરીને દેશમાં આટલું સન્માન- પ્રેમ મળ્યાં તેથી હું ખુશ છું. એવી ઉમ્મીદ કરું છું કે બાકી લોકો પણ પોતાના બાળકોને એવી જ તાલીમ આપે જેથી દેશમાં કાયમ માટે અમન સ્થપાય.’
મરિયમ કહે છે : ‘કુરાન અને ગીતા બેઉ મને પસંદ છે.’
દેશના નેતાઓ જ્યારે ધર્મના નામે વોટ બેંક ઊભી કરે લોકોને વિભાજિત કરી રહ્યા છે ત્યારે એક નાનકડી દીકરી મરિમય તેમનાથી વધુ શ્રેષ્ઠ છે. આપણે ઈચ્છીએ કે એક દિવસ મરિયમ દેશની નેતા બને. સહુથી મોટી નોંધપાત્ર વાત એ છે કે મરિયમને ઉત્તર પ્રદેશની સરકારે રૂ.૧૧ લાખનું ઈનામ મોકલ્યું પરંતુ મરિયમે તે રકમ સવિનય પાછી મોકલીને સરકારને જણાવ્યું કે આ રકમ જરૂરિયાતવાળા ગરીબ બાળકો માટે વાપરવી.
                                                                                                                       
                                                                                                               – દેવેન્દ્ર પટેલ