નદી કિનારે ટમેટું
નદી કે પર્વત
પંખી ઉડેકેપ્ટન કેપ્ટન Sign બદલ
બાળરમત – ૧ નદી કિનારે ટમેટું
આ રમત 3 વર્ષની ઉંમરના અને તેનાથી મોટા બાળકો ખૂબ સારી રીતે માણી શકે છે. અલબત્ત પીકનીક પર ગયા હોઈએ કે બધા મિત્રો કુટુંબીજનો ભેગા થયા હોઈએ ત્યારે મોટાંઓ પણ આ રમત માણી શકે છે.આ રમતમાં ઓછામાં ઓછા 4-5 બાળકો હોય તો મઝા આવે. તેનાથી જેટલા વધારે બાળકો હોય તેટલી વધુ મઝા…
તેમાં બે બાળકો સામસામે ઉભા રહી હાથ ઉંચા કરી એકબીજાના હાથ મેળવી કમાન જેવું બનાવે બાકીના બાળકો વારાફરતી આ કમાનમાંથી પસાર થાય.
આ વખતે બધા એક સાથે ગાય
નદી કિનારે ટમેટું ટમેટું
ઘી ગોળ ખાતું તું ખાતું તું
નદીએ નહાવા જાતું તું જાતું તું
માને મળવા જાતું તું જાતું તું
અસ મસ ને ઢસ…
આ ગીત અહીં પુરું થાય. આ વખતે બંને બાળકો હાથ નીચે પાડીને કમાન નીચી કરી દે અને જે બાળક કમાનમાં રહી ગયું હોય તે આઉટ ગણાય
ફરી કમાન બને અને ફરી ગીત ગવાય
ફરી બીજું બાળક આઉટ થાય
હવે આઉટ થયેલા બે બાળકો કમાન બનાવે અને ફરી રમત શરૂ થાય.
બાળ રમત – ૨ નદી કે પર્વત
આ રમતમાં બાળકોની સજાગતા અને ચપળતા કેળવાય છે અને એ સાથે ગમ્મત થાય છે.
ઓટલો કે સહેજ ઉંચી જગ્યા હોય ત્યાં બાળકો ભેગાં થાય.
થોડાં બાળકો ઉંચી જગ્યા પર ઉભા રહે (એટલે કે ધારી લો કે પર્વત પર ઊભાં છે) અને થોડાં નીચે ઊભાં રહે (ધારી લો કે નદીમાં ઊભાં છે).એક બાળક થોડે દુર રહે. બાળકો આ બાળકને પૂછે:"નદી કે પર્વત?".
આ બાળક બોલે "નદી" તો જે બાળકો નીચે ઊભાં છે તેઓ ત્યાં જ રહે (એટલેકે નદીમાં જ રહે). જે બાળકો ઉપર ઊભાં છે તેઓ નીચે આવી જાય (એટલે કે પર્વત પરના બાળકો નદીમાં આવી જાય).
જો આ બાળક બોલે "પર્વત" તો જે બાળકો ઉપર ઊભાં છે તેઓ ત્યાં જ રહે (એટલે કે પર્વત પર જ રહે). જે બાળકો નીચે ઊભાં છે તેઓ ઉપર જતા રહે (એટલે કે નદીમાંનાં બાળકો પર્વત ઉપર જતા રહે).
આમ વારંવાર "નદી કે પર્વત" પુછાતું રહે અને અલગ અલગ સમયે "નદી", "પર્વત", "પર્વત", "નદી"...એમ બોલાતું રહે. જે બાળકો સજાગ રહીને ઉપર-નીચે જવાનું ધ્યાન રાખશે તે આઉટ નહિ થાય.
બાળ રમત – ૩ પંખી ઉડે
આ રમતમાં પણ ગમ્મત સાથે બાળકોની સજાગતા વિકસિત થાય છે. ૨-૪ વર્ષના નાના બાળકોને આમાં મજા આવે.
થોડા બાળકોની સામે એક બાળક ઉભું રહે. આ બાળક એમ બોલે: "પંખી ઉડે..". અહીં તે કોઈ પણ પંખીનું નામ બોલે - જેમકે કાગડો, પોપટ, મોર, ચકલી વિ. - એટલે કે, "મોર ઉડે...", "કાગળો ઉડે..." વિ.
સામે ઉભેલા બાળકો હાથથી પંખી ઉડતું હોય એવી sign કરે - હાથ ઉપર નીચે હલાવે.
જો આ બાળક કોઈ પ્રાણીનું નામ બોલે - જેમકે "ગાય ઉડે...", "કુતરું ઉડે...", "ઘોડો ઉડે..." વિ. તો સામે ઉભેલા બાળકોએ ઉડવાની sign નહિ કરવાની.
જો કોઈ બાળક આવી sign કરે તો એ આઉટ ગણાય. આમ બાળકની સજાગતા ઉપરાંત પંખી/પ્રાણીઓ વિશેની એની સમજ વિકસે.
આ રમતમાં પણ બાળકની સજાગતા વિકસે છે.
એક બાળક કેપ્ટન બને. આ બાળક જે કોઈ sign કરે એવી જ sign અન્ય બાળકોએ પણ કરવાની - જેમકે કેપ્ટન માથા પર હાથ મુકે તો અન્ય બાળકો પણ માથા પર હાથ મુકે. કેપ્ટન તાલી પડે તો અન્ય બાળકો પણ તાલી પડે...વિ.
બાળકો કેપ્ટન સામે જોઈ એ જેવી sign કરે એવી જ sign કરે અને સાથે સાથે બોલે: "કેપ્ટન કેપ્ટન sign બદલ.."
કેપ્ટન જેવી sign કરવામાં કોઈ બાળક ભૂલ કરે (કેપ્ટને sign બદલી હોય છતાં કોઈ બાળકનું ધ્યાન ન રહ્યું હોય) તો એ આઉટ ગણાય.
આમ આ રમતમાં બાળકે સજાગ રહીને કેપ્ટન સામે જોઇને એ જે પ્રમાણે sign બદલે એ પ્રમાણે sign બદલવાની હોય છે એટલે એની સજાગતા અને ચપળતા વિકસે છે.