આપણા દેશમાં અનેક સંપ્રદાયો પ્રચલિત છે. દરેક સંપ્રદાયની વિચારધારા અલગ
અલગ છે. દરેક સંપ્રદાયને પોતાના અલગ ઇષ્ટદેવ હોય છે, પરંતુ જેમ બધી નદીઓ
સમુદ્રને મળે છે તેમ સર્વ સંપ્રદાયો એક જ ઈશ્વર તરફ ગતિ કરી રહ્યા છે.
‘અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે’ રામ, રહીમ, કòષ્ણ, ઈસુ સર્વમાં એક જ
શકિત છે. આપણા ધર્મસુધારક અને સમાજસુધારક એવા રાજા રામમોહનરાયએ તેમની
પત્નીને પ્રશ્ન કર્યો, કયો ધર્મ શ્રેષ્ઠ છે? આ પ્રશ્નના જવાબમાં
રામમોહનરાયે પત્નીને કહ્યું, ગાયો તો વિવિધ રંગની હોય છે, પરંતુ તેમનું દૂધ
એક જ રંગનું હોય છે. તેમ વિવિધ ધર્મોનો સાર એક જ છે. ‘સન્માર્ગ ગ્રહણ
કરવો’ રાજા રામમોહનરાયે ધર્મમાં રહેલાં દૂષણો દૂર કરવા અનેક પ્રયત્નો
કર્યા. તેમણે ‘એકેશ્વરવાદ’નોે પ્રચાર કર્યો. તેમણે ‘આત્મીય સભા’ નામે સંસ્થા સ્થાપી, પાછળથી આ સંસ્થા ‘બ્રહ્મોસમાજ’
તરીકે પ્રચલિત બની. બ્રહ્મો સમાજે વિશેષ કરીને બંગાળમાં સમાજ અને ધર્મ
સુધારણાના ક્ષેત્રે મહત્ત્વનો ફાળો આપ્યો. બ્રહ્મોસમાજ તરફથી ‘સંવાદ
કૌમુદી’ નામે સાપ્તાહિક પણ બહાર પાડવામાં આવ્યું. રાજા રામમોહનરાયે વિશેષ
કરીને ‘બાળલગ્નો અને બહુપત્ની પ્રથા’ને દૂર કરવા પ્રયત્નો કર્યા. તેમજ
‘સતીપ્રથા’ની વિરુદ્ધ મોટી ઝુંબેશ ચલાવી તેમણે કહ્યું, ધર્મશાસ્ત્રમાં
કયાંય પણ સતીપ્રથાનો ઉલ્લેખ જૉવા મળતો નથી. રાજા રામમોહનરાયે સમાજ સુધારણા
માટે ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’ની બહુમૂલ્ય નોકરી છોડી દીધી. રાજા રામમોહનરાયના
સમાજ સુધારણાનાં કાર્યોથી ખુશ થઇને મુગલ બાદશાહે ૧૮૩૧માં તેમને ‘રાજા’નો
ઇલકાબ આપીને પોતાના વકીલ તરીકે ઇંગ્લેન્ડ મોકલ્યા. ત્યાં ૧૮૩૩માં તેમનું
અવસાન થયું. રાજા રામમોહનરાય આધુનિક ભારતના આધસુધારક ગણાય છે. નવા યુગના
અગ્રદૂત અને જયોતિર્ધર પણ કહેવાય છે. આજે પણ બ્રહ્મોસમાજ સમાજ સુધારણા માટે
કાર્યરત છે. આજે પણ રાજા રામમોહનરાયની સમાજ સુધારણાની જયોત પ્રજવલિત છે.
આજે બાળલગ્નો, સતીપ્રથા, બહુપત્નીપ્રથા વગેરે લુપ્તપ્રાપ્ય બન્યાં છે.