Video Click here
ઘુમલીનું નવલખા મંદિર જેઠવા શાસકો દ્વારા ૧૧મી સદીમાં સૂર્ય દેવને સમર્પિત બનાવવામાં આવ્યું હતું અને તે ગુજરાતનું સૌથી પ્રાચીન સૂર્ય મંદિર છે. તે ગુજરાતના મંદિરોમાં સૌથી મોટો પાયો ધરાવે છે, જે ૪૫.૭૨ x ૩૦.૪૮ મીટર છે. પૂર્વ દિશામાં તેની નજીક એક સુંદર પ્રવેશ કમાન અથવા કીર્તિ તોરણ હતું, જે હવે નષ્ટ પામ્યું છે. ગર્ભગૃહ આવૃત્ત પ્રદક્ષીણા માર્ગ, વિશાળ મુખ્ય ખંડ અને ત્રણ શૃંગાર ચોકીઓ ધરાવે છે. આજુબાજુ ચાલવાના માર્ગ પર ત્રણ ઝરુખાઓ જોવા મળે છે. મંડપને આધાર ૮ બાજુઓ વાળા સ્તંભો વડે મળે છે. નાનાં ખૂણાઓમાં શિલ્પો આવેલા છે. પ્રવેશદ્વાર બે માળનો છે. મંદિરની પાછળની બાજુએ સૂંઢ વડે યુદ્ધ કરતાં બે વિશાળ હાથીઓના શિલ્પો આવેલા છે. ભદ્ર ગવક્ષમાં બ્રહ્મા-સાવિત્રી, પશ્ચિમમાં શિવ-પાર્વતી અને ઉત્તરમાં લક્ષ્મી નારાયણની મૂર્તિઓ આવેલી છે .