મિયાંફુસકી – જીવરામ જોષી


મિયાંફુસકી – જીવરામ જોષી

image[મિયાંફુસકી અને તભાભટની ઓળખાણ આપવાની હોય જ નહિ. ગુજરાતી બાળસાહિત્યના એ અમરપાત્રો છે. મિયાંફૂસકી અને તભાભટની વાર્તાઓ ઉપરથી નાટક, ટી.વી સિરીયલ અને ફિલ્મ પણ બની ચૂક્યા છે. સુપ્રસિદ્ધ લેખક શ્રી ચંદ્રકાન્ત બક્ષીએ આ પાત્રોની અમરતા વિશે કહ્યું હતું કે ‘ગુજરાતી ભાષામાં કખગ જીવતા રહેશે ત્યાં સુધી બાળસાહિત્યમાં મિયાંફુસકી અને જીવરામ જોષી જીવતા રહેશે. ‘અમે કોણ ? સિપાઈ બચ્ચા’ એ મિયાંફુસકીનું બાળકોમાં પ્રચલિત વાક્ય છે. તો આવો માણીએ મિયાંફૂસકીની એક સરસ મજાની વાર્તા.]
[વાર્તાનું નામ : દલાશેઠનો કૂવો]
દલાશેઠ, તભાભટ અને મિયાંફુસકી ચાલી નીકળ્યા. દલાશેઠ ઢીલાઢસ. મનમાં રીસ. ઠાકોરે શહેરમાં ખરીદી કરવા મોકલ્યા છે અને પૈસા સાચવવા મિયાંને આપ્યા છે. દલાશેઠ બળી ઊઠ્યા છે, પણ કરે શું ? અદેખા એવા જ હોય. બીજાનું બૂરું ચાહે. એવા દાવ ગોઠવે. એમાં ફાવે નહિ. ઊલટા પોતે ફસી પડે ત્યારે મનોમન બળવા માંડે છે. સાપને રીસ ચડે ત્યારે પોતાની ફેણ પછાડે છે. ગુસ્સો પણ સાપ જેવો જ છે. કંઈ ના બની શકે ત્યારે માણસ પોતે જ પોતાનો જીવ બાળે છે. પોતાના હોઠ કરડે છે.
image મિયાંફુસકી અને તભાભટ તો મોજથી ચાલ્યા. દલાશેઠ ભાગ્યા. આગળ આગળ ચાલવા માંડ્યા.
મિયાંફુસકીને હસવું આવ્યું.
તભાભટ કહે : ચુપ રહો.
મિયાં કહે : કાં ? દલાશેઠનો રંગ તો જુઓ !
તભાભટ કહે : હારેલાની સામે કદી હસીએ નહિ અને કોઈને બળતો જોઈને રાજી થઈએ નહિ. એવું કરે તે હાલકો ગણાય.
ફુસકીમિયાં બોલ્યાં : અમે દલાશેઠ ઉપર નથી હસતા. અમને હસવું આવે છે એમના ખોટા સ્વભાવ ઉપર. છીંદરી બળે પણ વળ છોડે નહિ.
તભાભટ કહે : સ્વભાવ કોઈનો બદલાતો નથી. પણ પોતે સમજવું કે, પોતાનો આ સ્વભાવ ખોટો છે. તેની ઉપર દાબ રાખવો. ખોટો સ્વભાવ વધે નહિં તે જોવું. પણ આ દલાશેઠ તો લાત ઉપર લાત ખાય છે તોય સમજતા નથી.

imge તભાભટ અને મિયાંફુસકી આમ વાતો કરે છે ત્યાં તો દલાશેઠ ક્યાં ના ક્યાં પહોંચી ગયા. દલાશેઠ અદેખા તો છે જ, પણ લોભિયા ય છે. આગળ ગયા અને લોભ નડ્યો. ખરેખર ફસી ગયા. દલાશેઠને એમ કે ઝત ઝટ ચાલું અને વહેલો ઘેર પહોંચી જાઉં. એમ વિચારીને જોર જોરથી ચાલ્યા. વધારે ચાલવાથી શરીર વધારે ગરમ થાય. તરસ અને થાક વહેલાં આવીને ઊભાં રહે.
તરસ લાગી.
મારગમાં ન મળે કૂવો કે ન મળે નદી. એક ગામ વચમાં આવતું હતું. પણ તે દૂર હતું. ત્યાં પહોંચે ત્યારે પાણી પીવા મળે. ઝટ પહોંચાય તો વહેલું પાણી પીવા મળે. તે માટે દલાશેઠ વધુ ઝડપથી ચાલવા માંડ્યા. વધારે ઝડપ કરે એટલે તરસ લાગી. સૂરજદાદા પણ હવે વધારે તપવા માંડ્યા હતા. મોઢું માંડ્યું સુકાવા. જીભ માંડી કોરી થવા. દલાશેઠ ગભરાવા માંડ્યા, કે આ વગડામાં પાણી મળે એમ નથી. નજીકમાં કોઈ વાડી દેખાતી નથી. કોઈ માણસ પણ સામે મળતો નથી.
ત્યાં ટપ દઈને પરસેવાનું ટીપું નાકે થઈને હોઠ પર ટપકી પડ્યું. દલાશેઠે મીઠા મધ જેવું માનીને પરસેવાનું ટીપું જીભ વડે ચાટી લીધું. પરસેવો ખારો હોય. એ પરસેવાનું ખારું ટીપું પણ દલાશેઠને મીઠું લાગ્યું. વસ્તુની કશી કિંમત નથી. વસ્તુનો ઉપયોગ જ કીમતી છે. ત્રણ ત્રણ દિવસની ભૂખ હોય. એક દાણો ય ખાવા મળ્યો ન હોય ત્યારે કોઈ લાખ લાખ રૂપિયાના હીરા લાવીને આપે તો શા કામના ? લાખ રૂપિયાનો હીરો ખવાતો નથી. પણ એક રોટલાનો ટાઢો ટુકડો મળે તો તે એ હીરા કરતાં ય વધારે વહાલો લાગે. સોનું મોંઘુ છે. કારણકે તે થોડું મળે છે. સોનાની પેઠે લોઢું પણ ઓછું મળતું હોય તો લોઢાની કિંમત સોના કરતાં પણ વધારે મોંઘી હોત.
દલાશેઠ એક એક પગલું માંડે છે અને હાશકારો નાંખતા જાય છે. હે પ્રભુ, હે પ્રભુ બોલતા જાય છે. ભાવ એવા ભગવાન. સાચા ભાવથી ભગવાનને સંભારીએ તો જે માંગીએ તે મળી જાય. દુ:ખ પડે એટલે પ્રભુને સંભારે તો કશું મળે નહિ. દુ:ખના લીધે તમે પ્રભુને સંભારો છો. હૃદયના પ્રેમભાવથી નથી સંભારતા. અદેખા, લોભી, લાલચુ, મોજીલા, રંગીલા, ચોર, જૂઠા, કપટી, સ્વાર્થી, ઠગારા લોકોના મનમાં સાચો પ્રેમભાવ કદી આવતો નથી. એ ભલે ને પ્રભુ પ્રભુ બોલે પણ એમાં પ્રેમભાવ ઊતરે નહિ. દલાશેઠ તો અદેખા અને લોભિયા.
image પણ આ જ પ્રભુએ જાણે કે, એમની ઉપર દયા કરી દીધી.
‘હાશ’ બોલીને દલાશેઠે પ્રભુનો આભાર માન્યો પણ તરત જ ઉદાસ બની ગયા.
મારગમાં એક કૂવો આવી ગયો. કૂવામાં ભરપૂર પાણી હતું. કૂવો જોતાં જ દલાશેઠના મનમાં બળ આવી ગયું. દોડતા ગયા અને કૂવાને કાંઠે પહોંચી ગયા. અંદર ડોકિયું કર્યું તો ઝલમલ, ઝલમલ પાણી ઝબકે છે.
‘હે પ્રભુ ! મોટી દયા કરી’ આમ બોલીને દલાશેઠે ખભા ઉપરથી ખેસ લઈને કુવાની કિનારી ઉપર મૂકી દીધો. પાઘડી ઉતારીને નીચે મૂકી. હવાની ઝાપટ વાગે અને પાઘડી કુવામાં જઈ પડે તો પંચાત થાય. વાણિયાના દીકરા. બધી વાતમાં ગાંડા પણ મતલબમાં ભારે ડાહ્યા. કુવાની કિનારી પરથી ખેસ પણ લઈ લીધો અને પાઘડીમાં દબાવી દીધો. દલાશેઠને ભારે આનંદ થયો. ઘડીભર તરસ પણ ભૂલી ગયા. ગંગાજળ જેવો પાણીનો કુવો મળી ગયો. દલાશેઠને મનમાં થયું કે, ધન્ય છે એ માનવીને કે ત્રણ ગાઉને છેડે આવો કુવો બંધાવ્યો છે ! ત્યાં તકતી જોઈ. કુવાની કિનારી પર તકતી હતી. કુવો બંધાવનારનું તેમાં નામ હતું. દલાશેઠે વાંચ્યું. કુવો બંધાવનારને લાખ લાખ વાર ધન્યવાદ આપ્યા. તકતી વાંચી લીધી એટલે જીભ તાળવે ચોંટી. તરસ સાંભરી. ઝટ પાણી પી લઉં એમ થયું. કુવામાં ડોકિયું કર્યું.
‘હાય હાય રે નસીબ !’ એમ બોલીને દલાશેઠે કપાળ પર ટાપલી મારી અને કુવાની કિનારી પર બેસી ગયા.
image કુવો મળ્યો.
કુવામાં ગંગાજળ જેવું પાણી
પણ પાણી પીવું શી રીતે ?
પાણી ખેંચીને બહાર કાઢવાનું સાધન ના મળે.
પહેલાંના લોકોનો નિયમ હતો કે, બે ગાઉથી વધારે દૂર જવું હોય તો દોરી-લોટો સાથે લેતા જાય. કોઈ દોરી-લોટો લઈને જાય તો સમજવું કે તે પાંચ દશ ગાઉ દુર જવાનો છે. દોરી-લોટો પાસે ન હોય તો સમજવું કે તે એકાદ ગાઉ જવાનો હશે.
દલાશેઠે કુવામાં આંખ માંડી.
કોઈ રીતે કુવામાં ઊતરાય એવું નથી.
દલાશેઠ અત્યાર સુધી કુવો બંધાવનારને આશિષ આપતા હતા. હવે મનોમન તેને બેવકૂફ કહ્યો અને બોલ્યા : ‘કયા મૂરખાએ આવો કુવો બંધાવ્યો હશે ?’ ત્રણ ગાઉના છેડે અંદર ઊતરવાની સગવડ જ કરી નથી. કોઈ દોરી-લોટા વિનાનો આવે તો શી રીતે પાણી પીએ ? બુદ્ધિના બુઠાને આટલીય વાત સૂઝી નહિં હોય ? પોતાનું કામ બનતું હોય તો માણસ તેનાં વખાણ કરવા માંડે છે અને પોતાનો સ્વાર્થ પુરો ન થાય તો તેની નિંદા કરવા બેસે છે. એનું નામ માણસ.
કપાળ કુટીને દલાશેઠ કુવાને કાંઠે બેસી ગયા. તરસ ખરેખર લાગી છે. કુવામાં પાણી છે પણ કાઢવાનો કોઈ ઉપાય નથી. અધુરામાં પુરું કુવો પણ ઊંડો છે. દલાશેઠના દુ:ખનો પાર ન રહ્યો. હવે તો આગળ ચાલવાની હામ રહી નહિ. ત્યાં ભગવાને બીજી દયા કરી.
દયાળું છે.
image કોઈ એક ભરવાડ આવતો દેખાયો. તેના હાથમાં પિત્તળના બોધરણા જેવું વાસણ હતું. જરા વધારે નજીક આવ્યો કે, તેના બીજા હાથમાં દોરડું દેખાયું. દલાશેઠને ભારે આનંદ થયો.
‘વાહ પ્રભુ વાહ ! તમે દયા કરી ખરી. પણ આવી પરીક્ષા શીદ લેતા હશો ?’ આજ મનોમન દલાશેઠ બોલ્યા. ભરવાડ વગડાનો વાસી. ઘેટાં બકરાં લઈને નીકળ્યો હશે. તે પાણી લેવા આ કૂવે આવી પહોંચ્યો.
image દલાશેઠ એકદમ ઊભા થઈ ગયા. જાણે કે તરસની બધી પીડા ચાલી ગઈ છે. તે સાથે જ જાણે કે, ભરવાડ ઉપર અપાર હેત હોય એમ મોઢું મલકાવ્યું. હસીને બોલ્યા : વાહ મારા ભાઈ, વાહ ! તું ય ખરે ટાણે આવી પહોંચ્યો. લે ઝટ કર. વાસણ જરા માંજી નાખ. વેપારી છીએ. ચોખ્ખાઈ રાખીએ. પછી ભરી આપ પાણી….
ભરવાડ તે ભરવાડ.
વગડાનો વાસી.
જેવા સાથે રહીએ તેવા થઈએ. વગડામાં રહે. પથ્થર અને ઝાડવાંઓ સાથ. ભરવાડ બોલ્યો : એ… વાસણ માંજવાં હોય તો લો આ રહ્યું. માંજી લો અને ભરી લો હાથે.
દલાશેઠ સમજી ગયા કે, ભરવાડની જાત અજડ હોય. ક્યાંક ના કહી દેશે તો પાણી વિનાના રહીશું. માટે જેમ કહે તેમ કરવા દે. દલાશેઠ મોઢું મલકાવીને બોલ્યા : તો એમ કહેને મારા ભઈલા ! તું અને આપણે ક્યાં જુદા છીએ ? તમે વગડામાં રહો અને અમે ગામમાં રહીએ. ઘેટાનું ઊન થાય, ઘી થાય, તે આવીને તમે અમને જ વેચો છો ને ! એટલે તો આપણે વેપારીને અને ભરવાડને સાત પેઢીનો સંબંધ ગણાય. ‘લાવ તે, હું મારે હાથે પાણી ભરી લઉં.’
દલાશેઠે તો વાસણ લીધું. તેના ગળામાં દોરડું બાંધ્યું. દોરડું જરા જાડું અને મજબૂત હતું. તેથી ગાંઠ વાળતાં વાર લાગી. દોરડું બાંધ્યું. વાસણ લઈને કૂવામાં નાખવા જાય કે, સામેથી ફુસકી મિયાં અને તભાભટ આવતા દેખાયા. બકરાંના ટોળામાં સિંહનું બચ્ચું રહે એટલે બેં બેં કરતાં શીખે પણ કોઈ સિંહ સામે આવી જાય કે, એ પાછો સિંહની પેઠે પૂંછડી હલાવે. તેમ દલાશેઠ ભલા અને ભગવાનનાં ભક્ત જેવા બની ગયા હતા. પણ મિયાંફુસકીને જોયાં કે, બધી ભલાઈ હવા થઈ ગઈ. દલાશેઠને વિચાર આવ્યો કે, તરસ તો એ ફુસકીમિયાંને અને તભાભટને પણ મારા કરતાંય વધારે લાગી હશે. અહીં આવશે અને મોજથી પાણી પીશે. પણ એ આવે તે પહેલાં આ ભરવાડ ચાલ્યો જાય તો મઝા થાય. મિયાં પાણી વિનાના ટળવળે અને બંદા મોજથી બેસે. આમ વિચારીને પોતે ઝટ ઝટ વાસણ કૂવામાં નાખ્યું. ઝટ ઝટ પાણી ભરવા ગયા. ઝટ ઝટ દોરડું હલાવ્યું પણ ઉપાધિ થઈ પડી. પોતાને દોરડું બાંધતા આવડેલું નહિ. ગાળો પોચો પડી ગયો. દોરડું વધારે હલાવ્યું કે, વાસણ છુટી ગયું. ડબ… કરતું વાસણ કુવામાં ડુબી ગયું. ખાલી દોરડું દલાશેઠના હાથમાં રહી ગયું…..
image ફસકેલા ચીભડા જેવું મોઢું બનાવીને દલાશેઠે ભરવાડ સામે જોયું. ભરવાડ બોલ્યો : પાણી કાઢવું હોય તો ઝટ કાઢી લો ને ! મારે ઝટ જવું છે.’
દલાશેઠમાં એટલી પણ હિંમત ન રહી કે ભરવાડને એમ કહે કે વાસણ ડૂબી ગયું. એ તો ઘડીક કુવામાં જુએ અને ઘડીક ભરવાડના મોઢા સામે જુએ. ભરવાડને નવાઈ લાગી કે, આ શેઠનું મોઢું આવું સુકાયેલી કેરી જેવું કેમ થઈ ગયું ? અને વારેઘડીએ કુવામાં જુએ છે અને મારી સામે જુએ છે !
ભરવાડ બોલ્યો : એમ બાઘાં શું મારો છો ? પીવું હોય તો ઝટ ખેંચી લ્યો. નહિ તો પાછો લાવો. એમ બોલી ભરવાડ ઊભો થયો. કૂવા પાસે ગયો. ‘શું જુઓ છો અંદર ?’ આમ કહીને ભરવાડે કૂવામાં ડોકિયું કર્યું તો દલાશેઠના હાથમાં દોરડું રહી ગયું છે અને એનો છેડો કૂવામાં લટકે છે.
ભરવાડની જાત.
રીસ ચડે તો વાઘ જેવા.
ભરવાડ જરા ધુંધવાઈને બોલ્યો : ‘મારું વાસણ ?’
દલાશેઠ વીલું મોઢું કરીને બોલ્યા : વાસણ છૂટી ગયું અને કુવામાં પડ્યું.
image ભરવાડ રીસથી બોલ્યો : તો કાઢી આપો.
દલાશેઠ ભરે હેતભર્યા બોલથી બોલ્યા : મારા ભઈલા ! તું વગડાનો વાસી. તને કુવામાં ઊતરતાં આવડે. ઊતરી પડ ને કુવામાંથી વાસણ કાઢી લાવ.
ભરવાડ કહે : અજાણ્યા કુવામાં અમે ઊતરીએ નહિ. કુવામાં ઊતરાય એવું ય નથી.
દલાશેઠ કહે : ‘ભઈલા ! જરા પ્રયન્ત તો કર. જરૂર તું ઊતરી શકીશ. અને પળવારમાં વાસણ કાઢી લાવીશ.
ભરવાડ બોલ્યો : પાની કોણ જાણે કેટલુંય ઊંડું હશે.
દલાશેઠ બોલ્યા : ‘એમ બોલને મારા ભઈલા ! હમણાં એનો તાગ કાઢી આપું.’ આમ કહીને દલાશેઠે દોરડાને છેડે એક પથ્થર બાંધી દીધો. ધીરે ધીરે પથ્થર કૂવાના પાણીમાં ઊતાર્યો. તળિયે અટકી ગયો. હવે જેટલું દોરડું પલળ્યું હોય એટલો કુવો ઊંડો ગણાય.
દોરડું પાછું ખેંચી લીધું. દોરડું ભીનું થયું હતું. તે બતાવીને દલાશેઠ બોલ્યા : લે ભઈલા ! કુવો આટલો જ ઊંડો છે. માંડ ગળા સુધી પાણી હશે. હમણાં ઊતરી પડીશ અને ઊભો ઊભો વાસણ લઈને પાછા આવીશ. ભરવાડ કહે : ઊહું…. હું ના ઊતરું. કુવામાં ઉતરવાની કોઈ સગવડ નથી. મારું વાસણ ઝટ લાવી આપો. ના લાવી આપો તો વીસ રૂપિયા આપો. બે રૂપિયા ભાડાના. શહેરમાં વાસણ લેવા ગયો હતો તે બસનું બે રૂપિયા ભાડું થયેલું.
બાવીસ રૂપિયા થાય. એ કેમ અપાય ? પોતાના ગજવામાં તો પચાસ રૂપિયા રોકડા હતા પણ બાવીસ રૂપિયા આપી દેવા એ વાત કેમ બને ? બાવીસ રૂપિયા આપવા અને તરસ્યા પણ રહેવાનું ?
image ભરવાડ કહે છે : ‘ઊંહું’ અને દલાશેઠ સમજાવે છે.
દલાશેઠ કહે : ભઈલા ! હું દોરડું પકડી રાખું તું દોરડું પકડીને કુવામાં ઊતર.
ભરવાડ કહે : ‘ઊંહું’
દલાશેથ કહે : ‘ઉપરથી તને એક રૂપિયો આપીશ.’
ભરવાડ કહે : ‘ઊંહું.’
ત્યાં મિયાંફુસકી અને તભાભટ આવી ગયા.
તભાભટ બોલ્યા : શી વાત છે દલાશેઠ ?
ત્યાં તો ભરવાડ બોલી ઉઠ્યો : હવે તમે જ સમજાવો આ શેઠને. બાવીસ રૂપિયા આલી દે. નહિ આલે તો પછી માથું ફોડી નાખીશ.
તભાભટ કહે : શાના રૂપિયા ભાઈ ?
ભરવાડે વાત કરી કે, પાણી ખેંચવા વાસણ અને દોરડું આપ્યું હતું. વાસણ કુવામાં નાખ્યું. કાં મારું વાસણ આપે અને કાં 22 રૂપિયા આપે.
મિયાંફુસકી ચુપ છે.
તભાભટે કુવામાં જોયું.
ભટજી કહે : અંદર ઉતરાય એવું નથી.
દલાશેઠ બોલ્યા : હું કહું છું કે, અમે દોરડું પકડી રાખીએ. દોરડું પકડીને તું કુવામાં ઉતર. વાસણ કાઢી લાવ. ઉપરથી હું એક રૂપિયો આપું છું.
ભરવાડ કહે : ‘ઊંહું, અજાણ્યા કુવામાં હું ઉતરું નહિ.’
ફુસકીમિયાં હવે બોલ્યા : તો દલાશેઠ જાતે ઉતરશે.
દલાશેઠ ચિડાઈને બોલ્યા : હા, હા, ઉતરીશું. અમારે કોઈની ગરજ નથી.
દલાશેઠને વિચાર આવ્યો કે, કુવામાં પાણી તો ખભા સુધી ઊંડું છે. હું ઊતરું અને કુવામાં ઉભો રહું અને પગ વડે વાસણ શોધી લઉં. એમાં કશી મોટી વાત નથી. આ ભરવાડને બાવીસ રૂપિયા આપવાના બચી જાય. અરે ! તેને એક રૂપિયો આપવાનો કહ્યો છે તે પણ બચી જાય. દલાશેઠને લોભ લાગ્યો. લોભીને લોભ લાગે તો તેને બમણી હિંમત થાય.
દલાશેઠ કહે : ‘ભટજી ! એક કામ કરો તો હું કુવામાં ઊતરું અને એક પળમાં વાસણ લઈ આવું.’
ભટજી કહે : શું ?
દલાશેઠ કહે : તમે અને આ ભરવાડ ભઈલો થઈને દોરડું પકડી રાખો. હું દોરડું પકડીને કુવમાં ઊતરું.
ભટજી કહે : ભલે.
એકવાર કુવામાં જોઈ લીધું. કુવામાં પગ ભરાવવાની પણ જગા નહોતી. પોતે એ રીતે ક્યારેય કુવામાં ઉતરેલા નહિ. દોરડું પકડીને ઉતરે અને હાથ બાથ સરકી જાય તો કુવામાં પટકાઈ પડે. એ બધી વાતનો વિચાર કરવો જોઈએ. આમ દલાશેઠે વિચાર કરી જોયો. દોરડું પકડીને કૂવામાં ઊતરવું એ ઠીક નહિ. બીજો ઉપાય છે. દોરડું પોતાની કેડે બાંધી દેવું. પછી કુવામાં ઉતરવું. હાથમાંથી દોરડું છૂટી જાય તોય વાંધો નહિ. આ ઉપાય બરાબર હતો. તે પ્રમાણે કુવામાં ઊતરવા દલાશેઠ તૈયાર થયા. પોતાની કમરમાં દોરડું બાંધી દીધું.
તભાભટ કહે : પણ મારાથી બરાબર પકડી નહિ શકાય. પણ હા, ફૂસકીમિયાં પકડે તો વાંધો ના આવે. ફુસકીમિયાં બોલી ઊઠ્યા : હો હો ! કોઈને મદદ કરવાની વાતમાં આપણે ના નથી કહેતા.
દોરડાનો બીજો છેડો બહાર કશાક સાથે બાંધી દે તો તો વાંધો નહિ પણ દોરડું બાંધી શકાય એવું ત્યાં કશું નહોતું. ન મળે કોઈ એવો મોટો પથ્થર કે ન મળે કોઈ ઝાડ. ફુસકીમિયાં અને ભરવાડ. દોરડું ખેંચી રાખે તો જ દલાશેઠ દોરડું પકડીને કૂવામાં ઊતરી શકે. ફુસકીમિયાંએ અને ભરવાડે દોરડું પકડ્યું. કૂવાની કિનારી સાથે પગ ભરાવીને બેસી ગયા. દોરડું ખેંચી રાખ્યું. દોરડું પકડીને દલાશેઠ કુવામાં ઊતરવા ગયા. કોઈ દિવસ આ રીતે કુવામાં ઊતરેલા નહિ. કોઈ કામ કરી નાખવાની વાત કહેવી એ સહેલું છે. પણ તે કામ કરવા બેસીએ તો અઘરું થઈ પડે. કુવામાં પગ લટકાવીને દલાશેઠ પાછા ઊભા.
ભટજી કહે : કાં ?
દલાશેઠ કહે : દોરડું પકડીને કુવામાં ઉતરતા મને નહિ ફાવે.
ફુસકીમિયાં બોલી ઊઠ્યા : તો આપી દો બાવીસ રૂપિયા અને વાત કરો પૂરી.
દલાશેઠ ચિડાઈ ગયા અને કહે : શાના આપીએ બાવીસ રૂપિયા અને રૂપિયા કંઈ મફત નથી આવતા.
ભરવાડ પણ બોલી ઊઠ્યો કે હવે ઝટ કરો. મારાં ઘેટાં, બકરાં ખોટી થાય છે. લાવો મારું વાસણ અથવા લાવો રૂપિયા બાવીસ.
દલાશેઠને નવો ઉપાય સૂઝયો.
વિચાર કર્યો કે, મારી કેડે દોરડું બાંધી દીધું છે. ફુસકીમિયાં અને ભરવાડ ધીરે ધીરે દોરડું નીચે સરકાવતા જાય તો હું નીચે ઊતરતો જાઉં. તે જ રીતે પાછો મને ઉપર ખેંચી લે તો કૂવામાં ઊતરવાની બહુ પંચાત કરવી ના પડે. દલાશેઠે ભરવાડને કહ્યું કે તું કસકસાવીને દોરડું પકડી રાખજે અને ધીરે ધીરે દોરડુ6 સરકાવજે.
ભરવાડ કહે : ઊંહુ…..! હું એવું ના કરું. લાવો રૂપિયા બાવીસ.
દલાશેઠ કહે : ભઈલા ! તને એક રૂપિયો ભેટ આપીશ.
ભરવાડ કહે : તો બરાબર.
ફુસકીમિયાં અને ભરવાડે દોરડું પકડી રાખ્યું. દલાશેઠ કૂવામાં લટક્યા. કેડમાં દોરડું બાંધ્યું હતું. ભરવાડ અને ફુસકીમિયાં દોરડું માંડ્યા સરકાવવા. ધીરે ધીરે દલાશેઠ કુવામાં ઊતરવા લાગ્યા. ભારે મજા પડી. જાણે કે, હવાઈ છત્રીમાં બેસીને આકાશમાંથી નીચે ઊતરી રહ્યા છે. ફુસકીમિયાંએ વિચાર કર્યો કે, આ લોભિયાને પાઠ ભણાવવો જોઈએ. બાવીસ રૂપિયા માટે કેડમાં દોરડું બાંધીને કૂવામાં ઉતર્યો છે.
ફુસકીમિયાંએ ભરવાડને કાનમાં કહ્યું : ભાઈબંધ, હું કહું તેમ કર તો તને બાવીસ રૂપિયાથી વધુ રૂપિયા અપાવું. ભરવાડ રાજી થઈ ગયો.
image દલાશેઠ મનોમન રાજી થાય છે અને કૂવામાં તરી રહ્યા છે. લગભગ અરધે સુધી પહોંચી ગયા હશે. ત્યાં ફુસકીમિયાંએ બૂમ પાડી : ઓ.. દલાશેઠ !
દલાશેઠ મોજથી બોલ્યા : હો….! તમતમારે ધીમે ધીમે દોરડું સરકાવો. આપણે ઉતાવળ નથી.
મિયાં બોલ્યાં : તમારો સાડા ત્રણ મણ નો ભાર અમારે ખેંચી રાખવાનો છે. તમારે કશી મહેનત પડવાની નથી. એટલે તમને ઊતાવળ હોય જ નહિ પણ આ ભરવાડ થાક્યો છે. કહે છે, દોરડું મૂકી દઉં. દલાશેઠ ફફડી ગયા અને કહે : ‘ના ભાઈ ના. એવું ના કરતા. હવે છેક નીચે પહોંચી ગયો છું.’
મિયાં બોલ્યા : આ ભરવાડ તો દોરડું છોડવા તૈયાર થઈ ગયો છે. એ દોરડું છોડી દેશે કે મારા હાથમાં દોરડું નહિ રહે. મારા એકલાંથી તમારો ભાર ખેંચી નહિ રખાય.
ભરવાડ દોરડું છોડશે કે હું ય છોડી દઈશ. તમે ભડામ કરતા6 કૂવામાં પડવાની તૈયારી કરી રાખજો.
દલાશેઠ એકદમ ગભરાયા અને બૂમ પાડી : ના ભઈસાબ ના, ભરવાડને કહો કે હું એને બે રૂપિયા આપીશ.
ફુસકીમિયાં બોલ્યા : તો પણ ના કહે છે. અને દોરડું છોડી દેવા તૈયાર થયા છે. કુવામાં પડવાની તૈયારી કરજો. ભરવાડ દોરડું છોડે કે મારેય તરત છોડી દેવું જોઈએ. ના છોડું તો તમારા ભારથી હું પણ કુવામાં ખેંચાઈ પડું.
દલાશેઠે બુમ પાડી : ના ભઈ ના. કહો કે બે ના બદલે ત્રણ રૂપિયા આપીશ.
ભરવાડ બોલ્યો : મારા હાથમાં દોરડું રહેતું નથી. હું નહિ ખેંચું છોડી દઉં છું.
દલાશેઠ ગભરાયા બુમ પાડીને બોલ્યા : ‘મારા ભઈલા ! પાંચ રૂપિયા લે જે.’
દલાશેઠ કુવાની અધવચ લટકી રહ્યા છે. પાછા ચડી શકે એવી હિંમત નથી. દલાશેઠ ગભરાયા. ભરવાડ કહે કે, દોરડું મૂકી દઉં છું. મિયાં કહે : તો હું ય દોરડુ મુકી દઉં.
image દલાશેઠ છેવટે દશ રૂપિયા આપવા તૈયાર થયા.
ભરવાડ કહે : દશ રૂપિયા માટે સો રૂપિયાનું બળ કોણ વાપરે ? હું તો છોડી દઉં છું.
દલાશેઠ કહે : ઓ ભઈલા ! દશના બાર લે જે.
ભરવાડ કહે : ના.
દલાશેઠ, એક એક રૂપિયા વધતા ગયા છેવટે પચીસ રૂપિયા આપવા તૈયાર થયા.
મિયાંફુસકી કહે : પણ આ ભરવાડ કહે છે કે રોકડા રૂપિયા પચીસ અને વાસણના બાવીસ મળી સુડતાલીસ રૂપિયા પુરા રોકડા આપો. પછીનો ભરોસો નહિ, ના આપો તો દોરડું છોડું છું.
દલાશેઠ રડમસ થઈને બોલ્યા : મારી પાઘડીની ધડમાં પચાસ રૂપિયા છે. તેમાંથી લઈને આપી દો. પાઘડીની ધડમાંથી નોટો નીકળી. સુડતાળીશ રૂપિયા ભરવાડને આપી દીધા. પછી દોરડું સરકાવ્યું. દલાશેઠ ઠેઠ કુવાના પાણીને અડકી ગયા. પાણીમાં પણ ઊતર્યા. ગળા સુધી પાણી થયું તોય કુવાનું તળિયું આવ્યું નહિ. તળિયું ઘણું ઊંડું હતું. દોરડાને છેડે પથ્થર લગાવ્યો હતો તે કુવાની ગોખમાં અટકી ગયો હતો. કુવો તો ઘણો ઊંડો હતો.
દલાશેઠ મુંઝાયા.
ગળા સુધી પાણી આવ્યું. પણ પગ તળિયે અડકતા નથી. વિચાર કર્યો કે, ભલે જરા ડુબકી મારું. દોરડું તો કેડે બાંધ્યું છે. આમ વિચારીને જરા વધારે ઊડે ઊતર્યા. પણ પગ તળિયે અડક્યા નહિ.
દલાશેઠ થાક્યા.
ત્યાં ભરવાડ બોલ્યો : આ તો પાતાળિયો કુવો છે. ચાર માથોડાં પાણી ઊંડું છે.
બાપ રે…. બોલીને દલાશેઠ કહે : પાછો મને ઉપર ખેંચી લો.
imageદલાશેઠને પાછા ઉપર ખેંચી લીધા.
સુડતાળીશ રૂપિયા ગયા અને વાસણ મળ્યું નહિ. કૂવામાં લટક્યા તે જુદું. ભારે ઉપાધી થઈ.
પાણીમાં પલળીને લથબથ થતાં દલાશેઠ બહાર નીકળ્યાં. ફુસકીમિયાંને હસવું આવી ગયું.
કપડાં નીચોવવાય રોકાયા નહિ અને ભાગ્યા.
ભટજી કહે : ઊભા રહો ! સાથે જઈએ.
પણ સાંભળે કોણ ?
દલાશેઠ ચિડાઈ ગયાને આગળ ભાગવા જ માંડ્યા.
ભરવાડ પણ રાજી થતો ચાલ્યો ગયો.
તભાભટ અને મિયાં પણ ચાલવા માંડ્યા. બિચારા દલાશેઠ કુવામાં લટક્યા અને પૈસા ગયા તે નફામાં.
લોભે લક્ષણ જાય માટે નકામો લોભ ના કરવો.
સૌજન્ય - readgujarati.com
====================================================