સ્મશાનયાત્રામાં ક્યારેય તારી માને બજરનું બંધાણ એવા ગીત સાંભળ્યાં છે ? - હાસ્ય કલાકાર રમેશ મહેતાની પુણ્યતિથિ - ૧૧મી - મે

ઓ હો હો હો...ના લહેકાના માલિક હાસ્ય કલાકાર રમેશ મહેતાનીપુણ્યતિથિ - 11-May

- ગુજરાતી ફિલ્મોના હાસ્યના રાજા રમેશ મહેતાની અંતિમ વિદાય

જન્મ :  ૨૩ જુન ૧૯૩૪
જન્મ સ્થળ :  નવાગામ (ગોંડલના ગોમટા પાસે)
શિક્ષણ : મેટ્રિક ફેઈલ
શોખ  :  વાચન
લગ્ન  :  ૧૭ વર્ષ વયે

રાજકોટમાં કોઇ વ્યક્તિની સ્મશાનયાત્રા નીકળે ત્યારે ‘હે રામ ’ની ધૂન વાગતી હોય પરંતુ કોઇ સ્મશાનયાત્રામાં ક્યારેય તારી માને બજરનું બંધાણ એવા ગીત સાંભળ્યાં છે ? ગઈ કાલે આ જ ગીત અને એવાં અનેક ગીતો તથા ગુજરાતી ફિલ્મના દર્શકોને ખડખડાટ હસાવનારા સંવાદો એક શબવાહિનીમાંથી સંભળાતા હતા. તે અંતિમયાત્રા હતી ગુજરાતી ફિલ્મોના હાસ્યનટ રમેશ મહેતાની. 



 ૧૯૬૯ થી ગુજરાતી ફિલ્મો અને તેના હજારો દર્શકો સાથે ઓ...હો...હો...ના લહેકાથી નાતો ધરાવતા પીઢ કલાકાર, પટકથા લેખક, સંવાદ લેખક, ફિલોસોફર અને રંગભૂમિના કલાકાર તથા રંગસભર જીવન જીવનારા રમેશ મહેતાનું ગઈકાલે એટલે કે તા.૧૧ મેના રોજ રાજકોટમાં અવસાન થયું હતું.

રમેશભાઇને બે મહિના પહેલાં હોસ્પિટલમાં દાખલ કરાયા ત્યારે પુત્રોને તેમણે કહી રાખ્યું હતું કે મારી અંતિમયાત્રામાં રામનામ કે ધૂન વગાડતા નહીં પરંતુ મારી જ ફિલ્મોનાં ગીતો અને સંવાદો સાથે મારી અંતિમયાત્રા નીકળવી જોઇએ. માલવિયાનગર ખાતે પ્રભુકૃપા મકાનમાંથી તેમની અંતિમયાત્રા ગઈ કાલે સવારે ૧૧ વાગ્યે નીકળી ત્યારથી રામનાથપરાના સ્મશાન સુધી તારી માને બજરનું બંધાણ જેવાં ગીતો શબવાહિનીમાંથી સંભળાયાં હતાં. પોતાના લાડકા કલાકારને શહેરીજનોએ તેના વ્યક્તિત્વને છાજે તેવું બહુમાન આપ્યું હતું.

ગઈ કાલે સવારે ૮ વાગ્યે રમેશભાઇનું અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી પોતાના ઘરે મોટા ભાગે એકાંતવાસમાં રહેતા હતા. ૨૩ જૂન ૧૯૩૨ના રોજ ગોંડલના ગોમટા પાસેના નવાગામમાં ગીરધરભાઇ અને મુકતાબેનના ઘરે જન્મેલા રમેશ મહેતાએ પ્રાથમિક શિક્ષણ રાજકોટની પ્રધ્યુમનસિંહજી સ્કૂલ અને કરણસિંહજી હાઇસ્કૂલમાં લીધા બાદ તેઓ રંગભૂમિક્ષેત્રે સક્રિય થઇ ગયા હતા.

શરૂઆતમાં નાટકો લખ્યાં બાદ તેઓ નાટ્યસંઘ મુંબઇ અને આઇએનટીમાં પણ સક્રિય રહ્યા હતા. ૧૯૬૯ હસ્તમેળાપ ફિલ્મથી ગુજરાતી ફિલ્મો સાથે તેમનો નાતો બંધાયો હતો. ત્યારબાદ સુપરહિટ ગુજરાતી ફિલ્મોની પટકથા, સંવાદો લખ્યા હતા અને તે ફિલ્મોના નિર્માણમાં પણ અત્યંત મહત્વની ભૂમિકા  રહી હતી.

જો કે તેમની ઇમેજ આજીવન કોમેડિયનની રહી હતી. ગુજરાતી ફિલ્મોમાં દ્વીઅર્થી સંવાદો દ્વારા અશ્લીલતા પિરસવાનું આળ તેમના પર સતત મુકાતું રહ્યું હતું પરંતુ તેમણે જોરદાર  દલીલો દ્વારા તે આક્ષેપ નકાર્યો હતો. વિવિધ ભૂમિકાઓ, ચોરણી, કેડિયું, ફાિળયું, જેવા પરિવેશ દ્વારા તેઓ પ્રેક્ષકોના હૈયા પર સતત છવાયેલા રહ્યા હતા.

ગઈ કાલે સવારે નીકળેલી તેમની અંતિમયાત્રામાં તેમના અઝિઝ દોસ્ત લેખક રામજી વાણિયા, નાટ્યકર્મી ભરત યાજ્ઞિક, હિરાલાલ ત્રિવેદી, ઉદ્યોગપતિ જયંતીભાઇ ચાંદ્રા, અનિલભાઇ ખંભાયતા, સહિતના અગ્રણીઓ અને ચાહકો જોડાયા હતા.

ફિલ્મો :

હસ્તમેળાપ, વેણીને આવ્યા ફૂલ,જેસલતોરલ, રાજા ભરથરી, જોગીદાસ ખુમાણ, કુંવરબાઈનું મામેરું, મેના ગુજરી, સેતલને કાંઠે, ભાદર તારા વહેતાં પાણી, માલવ પતિ મુંજ, સંતુ રંગીલી, વેરનો વારસ, પૈસો બોલે છે, સોન કંસારી, પાતળી પરમાર, મા તે મા, પારકી થાપણ, પીઠીનો રંગ, વીણાવેલી, ચોરીના ફેરા ચાર,  રા માંડલી, ઓખાહરણ, રૂપલી દાતણવાળી, વીરપસલી, જોગસંજોગ, કરો કંકૂના, અમર દેવીદાસ, મણિયારો, મેરુ મુણાંદે, નાગપાંચમ, શેઠ જગડુશા, ભગત મૂળદાસ, ઢોલી, નરદમયંતી, રેતીના રતન, મરદનો માંડવો, રસ્તાનો રાજા, હિરણને કાંઠે, મચ્છુ તારા વહેતા પાણી, વાછરડા દાદાની દીકરી, રામદૂહાઈ, ગૌમતીની સાથે, માણેકસ્થંભ, તમે રે ચંપો અને અમે કેળ, માનવીની ભવાઈ સહિતની ૨૦૦ ફિલ્મો. મેર મુણાંદેમાં રમેશ મહેતાએ એક ગીત ગાયું હતું. જ્યારે જય જય ગરવી ગુજરાતના ગીતો લખ્યા હતા. જેસલ તોરલ, હોથલ, સંતુ વગેરે ફિલ્મોની પટકથા પણ રમેશ મહેતાની લખેલી હતી.

  • divyabhaskar.com
  • May 11, 2012, 09:51 AM IST

=================================================



        ગુજરાતી ફિલ્મોના જાણીતા કોમેડી અભિનેતા રમેશ મહેતાનું આજે સવારે 8 વાગ્યે તેમના રાજકોટ સ્થિત નિવાસ્થાને અવસાન થયું છે. તેઓ 79 વર્ષના હતાં.

             ગુજરાતી ફિલ્મોના જોની વોકર ગણાતા રમેશ મહેતાના 'ઓ હો હો હો' થી શરૂ થતા સંવાદો ટ્રેડમાર્ક સમાન બની ગયા હતાં. એક સમયે તેમની હાજરી વગર ગુજરાતી ફિલ્મો નિરસ લાગતી હતી.

          ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 75 વર્ષ પૂરા થયા તે સમયે યોજાયેલા એક કાર્યક્રમમાં તેમને પૂછવામાં આવ્યું કે ગુજરાતી ફિલ્મ જગતને 75 વર્ષ પૂરા થઈ ગયા છતાં બીજો રમેશ મહેતા હજી સુધી કેમ નથી મળ્યો, ત્યારે તેમણે પોતાના ખાસ અંદાજમાં કહ્યુ હતું કે, "અમુક માણસો ભગવાનની ફેક્ટરીમાંથી ડાયરેક્ટ નીચે આવતા હોય છે...હું એવો જ માણસ છું."

=================================================

રમેશ મહેતા
 

Ramesh Mehta 2.jpg
રમેશ મહેતા
જન્મની વિગત ૨૩ જૂન, ૧૯૩૪
નવાગામ (તા. ગોંડલ)
મૃત્યુની વિગત ૧૧ મે, ૨૦૧૨
રાજકોટ
મૃત્યુનું કારણ લાંબી બિમારી
રહેઠાણ રાજકોટ
રાષ્ટ્રીયતા ભારતીય
અભ્યાસ નોન મેટ્રિક
વ્યવસાય ફિલ્મ કલાકાર, નાટ્યકાર, ફિલ્મ નિર્માતા
ખિતાબ ગુજરાત ગૌરવ, સંગીત નાટક અકાદમી એવોર્ડ
ધર્મ હિંદુ
જીવનસાથી વિજ્યાબેન
સંતાન પુત્રો: કનુભાઈ, અતુલભાઈ
પુત્રીઓ: કિરણબેન, હર્ષાબેન
માતા-પિતા મુક્તાબેન-ગીરધરભાઈ