કાલે વિશ્વ માતૃદિન - ૧૦મી - મે - ‘ઉપર જીસકા અંત નહી, ઉસે આસમાં કહેતે હૈ, જહાં મે જીસકા અંત નહીં , ઉસે ‘માં' કહેતે હૈ' - એડવાન્સ પોસ્ટ - વિશ્વ માતૃદિન

કાલે વિશ્વ માતૃદિન -  ૧૦મી - મે 

  ‘મોટે બોલું મા ને મુને સાચ્‍ચે જ નાનપ હાંભરે,
   આજ બધી મોટપની મજા સુને કડવી લાગે કાગડા'
માનવીય જીવનમાં બાળકના જન્‍મ પછી એની આસપાસ અનેક સબંધો આપમેળે બંધાય છે અને વિસ્‍તરતા જાય છે. જેમાં મા-બાપ, ભાઇ-બહેન, બાપ-દીકરો, મા-દીકરી વિગેરે... આ બધા લોહીના સબંધો છે. આ બધા લોહીના સબંધોમાં ‘માં'સાથેનો જે સબંધ છે, તે એકદમ અનેરો ગણાય છે. બાળક જયારે ગર્ભમાં હોય ત્‍યારે જ એનો ‘માતા' સાથેનો સબંધ નક્કી થઇ ગયો હોય છે. આ માતાની મૂર્તિ સમી ‘માતા' ના વાત્‍સલ્‍ય પ્રત્‍યે કૃતજ્ઞતા વ્‍યકત કરવા તેમજ તેનું ઋણ અદા કરવા માટે જગત ભરમાં મધર્સ-ડે (માતૃદિન)ની ઉજવણી પ્રતિ વર્ષ મે માસના બીજા રવિવારે કરવામાં આવે છે. આ માતૃદિનની ઉજવણી સર્વપ્રથમ ઇ.સ. ૧૯૦૮માં ફિલાડેલ્‍ફિયામાં કરવામાં આવી હતી. હવે તો આ પヘમિી દુનિયાનો સ્‍વીકૃત તહેવાર થઇ ગયો છે. આ તહેવાર વૈશ્વિક હોય તે માટેના કાર્ડ પ્રસિદ્ધ આંતરરાષ્‍ટ્રીય કંપનીઓ જેવી કે હોલમાર્ક, ગીરસન, આર્ચિસ, ચેલર રોઝ વિગેરે બનાવે છે. આ કાર્ડ કે સુંદર ફુલોના માધ્‍યમ દ્વારા ‘માતા' પ્રત્‍યેની તેના સંતાનો દ્વારા કૃતજ્ઞતા વ્‍યકત કરવામાં આવે છે. આ કાર્ડ રૂ. ૧૦થી શરૂ કરીને રૂપિયા ર૦૦-૩૦૦ સુધીની કિંમતમાં મળે છે.
   વાત્‍સલ્‍ય મૂર્તિ ‘માં' ના આપણી પર અગણિત ઉપકારો હોય છે. ‘મા' પોતે કંઇ કેટલીય તકલીફ વેઠીને પણ આપણને સાચવે છે, ઉછેરે છે. આ વાત્‍સલ્‍યસ્ત્રોત સમી ‘માતા'ના વાત્‍સલ્‍યનું નિર્મળ ઝરણું સતત ગતિમાન હોય છે. તેમાં કયારેય પણ અવરોધ નથી આવતો. આવી આ ‘મા'ને ઇશ્વરનો પર્યાય ગણાવાયો છે અને તે એકદમ યથાર્થ છે. ‘તૈતરયોપનિષદ'માં એક સંસ્‍કૃત વાકય છે, ‘માતૃ દેવો ભવ' એટલે કે ‘માતા' દેવ તુલ્‍ય છે. તો એક યહુદી કહેવત પણ છે, ‘ઇશ્વર સદેહૈ બધે પહોંચી શકે નહી માટે તેણે માતાનું સર્જન કર્યું છે' ‘માતા'ની પોતાની સંતાનો પ્રતયેની મમતાનો મહેરામણ સતત ઘુઘવતો હોય છે, તેમાં કદી ઓટને અવકાશ કે સ્‍થાન નથી હોતું. હઝરત મહંમદ પૈગંબર સાહેબે કુરાનમાં પણ કહ્યું જ છે, ‘તારૂ સ્‍વર્ગ તારી માતાના ચરણોની નીચે છે' સરસ હિન્‍દી પંકિતઓનું અહીં સ્‍મરણ થઇ આવે છે.
   ‘ઉપર જીસકા અંત નહી, ઉસે આસમાં કહેતે હૈ,
   જહાં મે જીસકા અંત નહીં , ઉસે ‘માં' કહેતે હૈ'
   કવિ બોટાદકરનું એક પ્રસિદ્ધ કાવ્‍ય છે, ‘જનની જોડ સખી નહી જડે રે લોલ...' સ્‍વામી રામતીર્થ પણ કહે છે કે,  ‘બિમાર પડતો કોઇપણ માણસ સૌથી પહેલો અને વારંવાર જે શબ્‍દ બોલે છે તે મા છે.' પંચતંત્રમાં કહ્યું છે કે, ‘માતાના હાથનો સ્‍પર્શ તરસ્‍યા માટે પાણી સમાન હોય છે' તો ઇસ્‍લામમાં માતાની ગોદને વિશ્વની સૌથી મોટી યુનિવર્સિટી ગણાવવામાં આવી છે અને કહેવાયું છે કે, તેમાં જીવનના ઉત્તમ સંસ્‍કારો પ્રાપ્ત થાય છે અને તે આજીવન રહે છે. અબ્રાહમ લિંકન જેવા મહાન વ્‍યકિતએ પણ સ્‍વીકાર્યું જ છે કે, ‘હું જે કાંઇ કરી શકું છું અને જે કાંઇપણ થઇ શકું છું તે મારી દિવ્‍ય માતાની પ્રસાદી છે' અને આમ પણ આપણે દુનિયાના લગભગ મહાપુરૂષોના જીવન ચરિત્રો તપાસીએ તો આપણને જાણવા મળશે જ કે આમાના મોટા ભાગના મહાપુરૂષોના ચારિત્ર્ય ઘડવામાં મહતમ ફાળો તેમની માતાનો રહ્યો હશે. મહાન કવિ પ્રેમાનંદજીએ પણ પોતાના એક કાવ્‍યમાં કહ્યું જ છે.
   ‘માતા વિના સુનો સંસાર, નમાયાનો શો અવતાર ?'
   કોઇપણ વ્‍યકિત ભલેને ગમે તેવડી મોટી ઉંમરની થાય પણ તેની માતાની દ્રષ્‍ટિમાં તો તે બાળક જ છે. કવિ કાગની કાવ્‍ય પંકિત છે,
   ‘મોટે બોલું મા ને મુને સાચ્‍ચે જ નાનપ હાંભરે,
   આજ બધી મોટપની સજા સુને કડવી લાગે કાગડા'
   આમ મા ની મમતાનો મહીમા અનેક કવિઓએ તેમજ લેખકોએ પોતાની વિવિધ કૃતિઓમાં ને પોતાના શબ્‍દોમાં વર્ણવ્‍યો જ છે પણ મારા મતે તો ‘મા એ પૃથ્‍વી પરની ઇશ્વરની સર્વશ્રેષ્‍ઠ કૃતિ કે કવિતા છે અને નિર્મળ વાત્‍સલ્‍ય વહાવતી સરિતા છે' મા તો મિનાક્ષી એટલે કે માછલીની આંખો સમાન છે. જેમ માછલીની આંખો સતત ખુલ્લી જ હોય છે તેમ માતાનું ધ્‍યાન સતત બિલકુલ માછલીની આંખો માફક જ પોતાના વ્‍હાલસોયા સંતાનો તરફ જ હોય છે જનેતા તો આપણી જીવન નૈયાનું સુકાન ગણાય.
   બાળક જયારે ધરતી ઉપર જન્‍મે ત્‍યારે અને પહેલો શ્વાસ લે ત્‍યારે તેના માવતર તેની પાસે હોય છે. જયારે માવતરના છેલ્લા શ્વાસો હોય ત્‍યારે દરેક સંતાનોની તેની પાસે હાજરી અત્‍યંત આવશ્‍યક જ છે. ‘હું ને મારી વહુ, એમાં આવી ગયું સહુ' આવી વિચારધારા વધતી જાય છે. જે અત્‍યંત ધૃણાસ્‍પદ બાબત છે. આ સંસારની બે કરૂણ બાબત એ છે, ‘મા વિનાનું ઘર, અને ઘર વિનાની મા' પોતાની પાછલી અવસ્‍થામાં પોતાના સંતાનોથી અલગ રહેતું માતૃત્‍વ એ પણ ખૂબજ દુઃખની બાબત છે. આજનો યુવાવર્ગ માતાના અપાર ઋણને ભુલી રહ્યો છે ત્‍યારે આવા માતૃદિનની ઉજવણીનું વધતુ જતુ મહત્‍વ એ શુભ સંકેતરૂપ બાબત ગણાય. પ્રત્‍યેક દિનને માતૃદિન ગણી માતાના ઋણ અને તેના મહત્‍વને સમજી મા પ્રત્‍યેના આદર અને તેની કદર અંગે યુવા વર્ગ સજાગ થઇ વર્તન, વલણ અને વ્‍યવહારમાં તેને અપનાવે એ જ આ માતૃદિનની ફલશ્રુતિ ગણી શકાય. અંતમાં ગુજરાતી શાયર જલન માતરીનો એક શેર પ્રસ્‍તુત છે.
   ‘કયામતની રાહ એટલે તો જોઉ છું,
   કે ત્‍યાં પણ ‘જલન' મારી મા તો હશે'
  સંકલન:- ઉમેશદાસ ગોંડલીયા 
આભાર -  વિજય કાનાબાર, કોડીનાર